પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરતાં ઊંચો સાદ ન કઢાય; હિંદુસ્તાનમાં સાહેબોની સાથે વાત કરતાં 'સર' કહેવાનો રિવાજ છે એ અનાવશ્યક છે, 'સર' તો નોકર પોતાના શેઠને અથવા પોતાના ઉપરી અમલદારને કહે. વળી તેમણે હોટેલમાં રહેવાના ખરચની પણ વાત કરી અને સૂચવ્યું કે કોઇ ખાનગી કુટુંબમાં રહેવાની જરૂર પડશે. એ વિષે વધુ વિચાર સોમવાર લગી મુલતવી રહ્યો. કેટલીક ભલામણો આપી દાક્તર મહેતા વિદાય થયા.

હોટેલમાં તો અમને બન્નેને આવી ભરાયા જેવું લાગ્યું. હોટેલ પણ મોંઘી. માલ્ટાથી એક સિંધી ઉતારુ ચડેલા, તેમની સાથે મજમુદાર ઠીક હળી ગયા હતા. આ સિંધી ઉતારુ લંડનના ભોમિયા હતા. તેમણે અમારા સારુ બે કોટડી રોકી લેવાનું માથે લીધું. અમે સંમત થયા અને સોમવારે સામાન મળ્યો તેવા જ બીલ ચૂકવીને પેલા સિંધી ભાઇએ રાખેલી કોટડીઓમાં અમે પ્રવેશ કર્યો. મને યાદ છે કે મારા ભાગમાં હોટેલનું બિલ લગભગ ત્રણ પાઉંડ આવ્યું હતું. હું તો આભો જ બની ગયો. ત્રણ પાઉંડ આપવા છતાં ભૂખ્યો રહ્યો. હોટેલના ખાવામાંનું કંઇ ભાવે નહીં. એક વસ્તુ લીધી તે ન ભાવી. બીજી લીધી. પણ પૈસા તો બન્નેના જ આપવા જોઇએ. મારો આધાર હજુ મુંબઈથી લીધેલા ભાતા ઉપર હતો એમ કહીએ તો ચાલે.

પેલી કોટડીમાં પણ હું તો ખૂબ મૂંઝાયો. દેશ ખૂબ યાદ આવે. માતાનો પ્રેમ મૂર્તિમંત થાય. રાત પડે એટલે રડવાનું શરૂ થાય. ઘરનાં અનેક પ્રકારનાં સ્મરણોની ચડાઇથી નિદ્રા તો શાની આવી જ શકે? આ દુ:ખની વાત કોઇને કરાય પણ નહીં. કરવાથી ફાયદો પણ શો? હું પોતે જાણતો નહોતો કે ક્યા ઇલાજથી મને આશ્વાસન મળે. લોકો વિચિત્ર, રહેણી વિચિત્ર, ઘરો પણ વિચિત્ર. ઘરોમાં રહેવાની રીતભાત પણ તેવી જ. શું બોલતાં ને શું કરતાં એ રીતભાતના નિયમોનો ભંગ થતો હશે એનું પણ થોડું જ ભાન. સાથે ખાવાપીવાની પરહેજી અને ખાઇ શકાય તેવો ખોરાક લૂખો અને રસ વિનાનો લાગે. એટલે મારી દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી. વિલાયત ગમે નહીં ને પાછા દેશ જવાય નહીં. વિલાયત આવ્યો એટલે ત્રણ વર્ષ પૂરાં કરવાનો જ આગ્રહ હતો.