પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૪. મારી પસંદગી

દાક્તર મહેતા તો સોમવારે મને વિક્ટોરિયા હોટેલમાં મળવા ગયા. ત્યાં તેમને અમારું નવું ઠેકાણું મળ્યું; એટલે નવે ઠેકાણે મળ્યા. મારી મુર્ખાઈને લીધે મને સ્ટીમરમાં દાદર થઈ હતી. સ્ટીમરમાં ખારા પાણીમાં નાહવાનું રહેતું. તેમાં સાબુ ન ભળે અને મેં તો સાબુ વાપરવામાં સભ્યતા માનેલી, એટલે શરીર સાફ થવાને બદલે ચીકણું થયું. એમાંથી દાદર થઈ. દાક્તરને બતાવી. તેમણે તો મને બાળનારી દવા - ઍસેટિક ઍસિડ - આપી. આ દવાએ મને રોવરાવ્યો હતો. દાક્તર મહેતાએ અમારી કોટડી વગેરે જોયાં અને ડોકું ધુણાવ્યું : આ જગ્યા નહીં ચાલે. આ દેશમાં આવીને ભણવા કરતાં અહીનો અનુભવ લેવાનું જ વધારે છે. આને સારુ કોઈ કુટુંબમાં રહેવાની જરૂર છે. પણ હમણાં તો કંઈક ઘડાવાને ખાતર - ને તમારે ત્યાં રહેવું એમ મેં ધાર્યું છે. ત્યાં તમને લઈ જઇશ.

મેં ઉપકાર સાથે સુચના કબૂલ રાખી. મિત્રને ત્યાં ગયો. તેમની બરદાસમાં કાંઈ મણા નહોતી. મને પોતાના સગા ભાઈની જેમ રાખ્યો, અંગ્રેજી રીતરિવાજો શીખવ્યા; અંગ્રેજીમાં વાત કરવાની ટેવ તેમણે જ પાડી એમ કહી શકાય.

મારા ખોરાકનો પ્રશ્ન બહુ મોટો થઈ પડ્યો. મીઠુંમસાલા વિનાનાં શાકો ભાવે નહીં. ઘરધણી બાઈ મારે સારુ શું રાંધે ? સવારે તો ઓટમીલની ઘેંસ થાય એટલે કંઈક પેટ ભરાય, પણ બપોરે અને સાંજે હંમેશાં ભૂખ્યો રહું. મિત્ર માંસાહાર કરવાનું રોજ સમજાવે. હું તો પ્રતિજ્ઞાની આડ બતાવી મૂંગો થાઉં. તેમની દલીલોને પહોંચી ન શકું. બપોરે માત્ર રોટી અને તાંદળજાની ભાઈ તથા મુરબ્બા ઉપર રહું. તેવો જ ખોરાક સાંજે. હું જોઉં કે રોટી તો બેત્રણ કટકા જ લેવાય, વધારેની માગણી કરતાં શરમ આવે. મને સારી પેઠે ખાવાની ટેવ હતી. હોજરી તેજ હતી તે બહુ માગતી. બપોરે કે સાંજે દૂધ તો હોય નહીં. મારી આવી સ્થિતિ જોઈને મિત્રને એક દિવસ ખીજ ચડી તે બોલ્યા : 'જો તું માનો જણ્યો ભાઈ હોત તો હું તને જરૂર પાછો જ મોકલી દેત. નિરક્ષર માને, અહીંની પરિસ્થિતિ જાણ્યા વિના, આપેલી પ્રતિજ્ઞાની કિંમત શી ?