પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

‘તમારો ખુલ્લા દિલનો કાગળ મળ્યો. અમે બંને રાજી થયાં ને ખૂબ હસ્યાં. તમારા જેવું અસત્ય તો ક્ષંતવ્ય જ હોય. પણ તમે તમારી હકીકત જણાવી એ ઠીક જ થયું. મારું નોતરું કાયમ છે. આવતે રવિવારે તમારી રાહ અમે જોઈશું જ, ને તમારા બાળવિવાહની વાતો સાંભળીશું, ને તમારા ઠઠ્ઠા કરવાનો આનંદ પણ મેલવીશું. આપણી મિત્રતા તો જેવી હતી તીવી જ રહેશે એ ખાતરી રાખજો.’

આમ મારામાં અસત્યનું ઝેર ભરાઈ ગયું હતું તે મેં કાઢ્યું અને પછી તો ક્યાંયે મારા વિવાહ વગેરેની વાતો કરતાં હું મૂંઝાતો નહીં.


૨૦. ધાર્મિક પરિચયો

વિલાયતમાં રહેતાં વર્ષેક થયું હશે તેવામાં બે થિયોસૉફિસ્ટ મિત્રોની ઓળખાણ થઈ. બંને સગા ભાઇ હતા ને અવિવાહિત હતા. તેઓએ મારી પાસે ગીતાજીની વાત કરી. તેઓ એડવિન આર્નલ્ડનો ગીતાજીનો અનુવાદ વાંચતા હતા, પણ મને તેઓએ તે તેમની સાથે સંસ્કૃતમાં વાંચવા નોતર્યો. હું શરમાયો, કેમ કે મેં તો ગીતા સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં વાંચી જ નહોતી! મારે તેમને કહેવું પડ્યું કે મેં ગીતાજી વાંચેલ જ નથી, પણ તમારી સાથે હું તે વાંચવા તૈયાર છું. મારો સંસ્કૃતનો અભ્યાસ પણ નહીં જેવો જ છે. હું તે એટલે સુધી સમજી શકીશ કે તરજુમામાં અવળો અર્થ હશે તો સુધારી શકાશે. આમ આ ભાઇઓની સાથે મેં ગીતા વાંચવાનો આરંભ કર્યો. બીજા અધ્યાયના છેલ્લા શ્લોકમાંના

ध्यायतो विषयान् पुंसः सङ्गस् तेषूपजायते ।
सङ़्गात् संञ्जायते कामः कामात क्रोधोऽभिजायते ॥
क्रोधाद् भवति सम्मोहः संमोहात् स्मृतिविभ्रमः ।
स्मृति−भ्रंशाद बुद्धि−नाशो बुद्धिनाशात् प्रणश्यति ॥ [૧]

–એ શ્લોકોની મારા મન ઉપર ઊંડી અસર પડી. તેના ભણકારા

  1. વિષયોનું ચિંતવન કરનારો પ્રથમ તેને વિષે સંગ ઊપજે છે, સંગથી કામના જન્મે છે, કામનાની પાછળ ક્રોધ આવે છે, ક્રોધમાંથી સંમોહમાંથી સ્મૃતિભ્રમ અને સ્મૃતિભ્રમમાંથી બુદ્ધિનાશ થાય છે, ને અંતે તે પુરુષનો પોતાનો નાશ થાય છે.