પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

‘આપણે બ્રાઈટનમાં મળ્યાં ત્યારહ્તી તમે મારા પર પ્રેમ રાખતાં આવ્યાં છો. જેમ મા પોતાના દીકરાની સંભાળ રાખે તેમ તમે મારી સંભાળ રાખો છો. તમે તો એમ પણ માનો છો કે મારે પરણવું જોઈએ અને તેથી તમે મારો પરિચય યુવતીઓની સાથે કરાવો છો. આવો સંબંધ વધારે આગળ જાય તે પહેલાં મારે તમને કહેવું જોઈએ કે હું તમારા પ્રેમને લાયક નથી. તમારે ઘેર આવતો થયો ત્યારે જ મારે તમને કહેવું જોઈતું હતું કે હું પરણેલો છું. હિંદુસ્તાનના વિદ્યાર્થીઓ જે પરણેલા હોય છે તે આ દેશમાં પોતાના વિવાહની વાત પ્રગટ નથી કરતા એમ હું જાણું છું. તેથી મેં પણ એ રિવાજનું અનુકરણ કર્યું. હવે જોઉં છું કે મારે મારા વિવાહની વાત મુદ્દલ છુપાવવી નહોતી જોઈતી. મારે એક દીકરો પણ છે. આ વાત તમારી પાસે ઢાંક્યાને સારુ મને હવે બહુ દુઃખ થાય છે. પણ સત્ય કહી દેવાની હવે મને ઈશ્વરે હિંમત આપી, તેથી મને આનંદ થાય છે. મને તમે માફ કરશો ? જે બહેનની સાથે તમે મારો પરિચય કરાવ્યો છે તેની સાથે મેં કશી અયોગ્ય છૂટ લીધી નથી તેની ખાતરી આપું છું. મારાથી છૂટ ન જ લેવાય એનું મને સંપૂર્ણ ભાન છે. પણ તમારી ઈચ્છા તો સ્વાભાવિકપણે જ મારો કોઈની સાથે સંબંધ બંધાયેલો જોવાની હોય. તમારા મનમાં આ વસ્તુ આગળ ન વધે તે ખાતર પણ મારે તમારી પાસે સત્ય પ્રગટ કરવું જોઈએ.

‘જો આ કાગળ મળ્યા પછી તમે તમારે ત્યાં આવવાને સારુ મને નાલાયક ગણશો તો મને મુદ્દલ ખોટું નહીં લાગે. તમારી મમતાને સારુ હું તમારો સદાયનો ઋણી થઈ ચૂક્યો છું. જો તમે મારો ત્યાગ નહીં કરો તો હું ખુશીથઈશ એ મારે કબૂલ કરવું જોઈએ. તમારે ત્યાં આવવાને હજુ મને લાયક ગણશો તો તેને તમારા પ્રેમની એક નવી નિશાની ગણીશ, અને તે પ્રેમને લાયક થવા મારો પ્રયત્ન જારી રહેશે.’

વાંચનાર સમજે કે આવો કાગળ મેં ક્ષણ વારમાં નહીં ઘડ્યો હોય. કોણ જાણે કેટલા મુસદ્દા ઘડ્યા હશે. પણ આવો કાગળ મોકલીને મેં મારા ઉપરથી મહાન બોજો ઉતાર્યો.

લગભગ વળતી ટપાલે પેલી વિધવા મિત્રનો જવાબ આવ્યો. તેમાં તેણે જણાવ્યું :