પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૯૯
 

એ લાગતી કે મારા ભાઈ ઉપર મારો પ્રત્યક્ષ ને સ્વાભાવિક પ્રેમ છતાં, ઘણાએકે મારો પ્રેમ હદપાર છે એવો ઠપકો દીધેલો તેવો પ્રેમ છતાં 'હું તેને મુવો ઇચ્છું છું' આ વજ્રપાત જેવું વચન પાંચસાત વર્ષના અરસામાં ચોથીપાંચમી વાર કેમ નીકળ્યું? અનુસંધાન મેળવીએ ત્યારે જણાય છે કે જ્યારે જ્યારે આ વિચાર મારી માના મનમાં ઉઠેલો ત્યારે ત્યારે મારી વહુ મારે ઘેર રહેતી. જ્યારે તેને કાઢી મુકેલી હોય તેવા પ્રસંગમાં કદી આવો અંશ પ્રકટતો નહિ. મારી માએ મારે મોઢે બેચાર વાર કહેલું કે હું ને તારો બાપ ન હોઈએ તો આ છોકરાની શી વલે? મેં જાતે તથા બીજી રીતે પણ ખાતરી કરેલી કરાવેલી કે મારા દીકરાથી વિશેષ એને જીવતા સુધી પાળીશ, ને હું હોઉં ત્યારે પણ દુ:ખી ન થાય એવો બંદોબસ્ત કરીશ. આ હાલનો મંદવાડ વધ્યો તેવામાં પણ એ જ વાત થઈ હતી. છતાં એ જ વિચાર ! હાલમાં પાંચછ દિવસથી મારી વહુને રાખી હતી એટલે વળી વિચાર તાજો થયો કે પોતાના બે છોકરા મુકીને મારા છોકરા પર ધ્યાન નહિ આપે. કેવળ મારે તાબે જ રહે તો ઠીક, એ વખતે હવે નહિ બને. આ વિચાર થયા હોવા જ જોઈએ ને જે કહી ગયો તે લડાઈ રૂપે જણાઈ આવ્યા !

મારી સ્ત્રીને ને મારે કદાપિ બન્યું નથી ને બનવાનો સંભવ નથી કેમકે તે જાતે જ ખરાબ છે. પણ મારી મા શું આ પ્રકારની બાજી રમે છે? મારા મનને બહુ ખેદ થયો. ને હવેથી બહુ સંભાળી ચાલવાનો મેં નિર્ણય કર્યો.