બે વાર પરણેલા હતા, તેમજ મારા એક કાકા પણ. મારા પિતાનાં પ્રથમ લગ્ન જે સ્ત્રી સાથે થયેલાં તે સ્વભાવે ખરાબ હતી. અને તેને સંતાન ન હતું એ મેં સાંભળ્યું છે. આ બીના યાદ રાખવા જેવી છે કેમકે મારાં લગ્ન, જે ઘણાં કમનસીબ નીવડેલાં જણાશે, તે પણ એ જ સ્ત્રીની ભાણેજ-બેહેનની દીકરી- સાથે થયેલાં છે. મારાં માતુશ્રી મારા પિતાનાં બીજી વારનાં પત્ની છે.
મારાં માતુશ્રીના બાપ સારા પ્રતિષ્ઠિત તથા ઉદાર હતા. તેમનો વહેપાર આસપાસનાં ગામડાંમાં ગરાસીઆ, કોળી વગેરેમાં હતો. થોડી જમીન પણ તેમને હતી ને તે સર્વની ઉપજમાં તેમનું ગુજરાન બહુ સારી રીતે નભતું. તેમને ઘેર ગાય ભેંસ વગેરે ઢોર રહેતાં અને ચઢવાને ઘોડી પણ રાખતા. તેમને મેં જોયા નથી પણ તેમનાં પત્ની જેને મેં મારાં મા માનેલાં હતાં ને જેના હાથમાં હું ઉછર્યો હતો તે ઘણાં ઉદાર, માયાળુ ને ભલા દીલનાં હતાં. આમને ત્રણ દીકરી ને ત્રણ દીકરા હતાં. ત્રણે દીકરા વ્યસની, અભણ અને તેથી ઘણા સ્વચ્છંદી તથા મિજાજી પણ દિલે ઉદાર રહ્યા. મારા પર એ સર્વેનું હેત ઘણું હતું કે મને હાથમાં ને હાથમાં રાખતાં – સિવાય કે એક મારા મ્હોટા મામા અને મ્હોટી માસી. મ્હોટા મામા સિવાય કોઈ પરણેલું ન હતું. તેમની સ્ત્રી ઘણી ખરાબ હતી. તેને સંતાન થયાં – પણ હાલ તે સ્ત્રી કે સંતાન કોઈ હયાત નથી. મારી નાની માસીનું મને સ્મરણ નથી. તે મારા બાલપણમાં જ મરી ગઈ. મ્હોટી માસી પણ સંતાન વિના અમદાવાદ પોતાને સાસરે ધણી પછી મરી ગયાં તે મને યાદ છે. મારા મોસાળમાં હાલ ફક્ત મ્હોટા મામા હયાત છે બાકી કોઈ નથી. આમ જોતાં મારા મોસાળ પક્ષમાં મારા વિના કોઈ બાલક ન હોવાથી સર્વેનું હેત મારા પર રહે એ સ્વાભાવિક છે. મારાં વડાં માને બે બહેનો હતી તેની પ્રજા પણ હાલ બહોળી છે.
મારા મ્હોટા કાકાને એક દીકરો ને એક દીકરી હતાં. દીકરો સ્વભાવે બાયલો હતો તે તેના તેવા જ મિજાજમાં આપઘાતથી મરી ગયો. તેનો એક પુત્ર છે. મારા કાકાની દીકરી પણ હયાત છે. કાકા પોતે તથા કાકી હાલ હયાત નથી. મારા વચલા કાકાને પ્રથમ સ્ત્રીથી પુત્ર ૧ તે હયાત છે ને બાપ સાથે ન બનવાથી મોસાળમાં રહે છે. તેને પ્રજા કોઈ હયાત નથી. જાતે સરકારી નોકરીમાં તલાટી છે, ગામમાં પ્રતિષ્ઠિત છે, પણ ગર્વિષ્ઠ તથા અદેખા સ્વભાવનો છે. બીજી સ્ત્રીથી તે કાકાને જે પ્રજા થઈ તેમાં ત્રણ પુત્ર ને એક પુત્રી હયાત છે. કાકા ને તેમની બીજી પત્ની પણ હયાત છે. મારા પિતાને જે પ્રજા થઈ તેમાં હું તથા એક દસ વર્ષનો મારો ભાઈ બે હયાત છીએ.