પૃષ્ઠ:Atmavruttanta.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉચ્ચ અભ્યાસ
૨૩
 

પ્રાણલાલ કહાનદાસ જોશીપરા નામના એક છોકરાને [ને] મારે ઘણો સ્નેહ બંધાયો, પણ તેની સાથે એકવાર તેના ગાયાની મેં મશ્કરી કરી ને તેના ઉત્તરમાં તેણે ગાળો દેવાથી મેં પણ દીધી એટલે કાંઈક ઉંચું મન થયું. હું તો એ વાત વીસરી ગયો અને પ્રાણલાલનો સ્નેહ તેવો ને તેવો જોઈ તેની સાથે નિર્મલ વ્યવહાર રાખવા લાગ્યો. આ વાતનો સંબંધ આગળ આવશે.

વેકેશન પુરૂં થઈ કોલેજમાં આવ્યા, પણ મન ગોઠતું નહિ. ઘર આગળ પણ મારાં માતુશ્રી પ્રથમ ટર્મમાં મરણતોલ થઈ ગયેલાં. આ વેળામાં મ્હારો નાનો ભાઈ જે એક જ મારા સગામાં (નિકટના) છે તેનો જન્મ થયેલો. આ બધાં કારણોથી મન ઘર તરફ હતું. પણ અભ્યાસમાં જીવ લાગી ગયો તેથી બીજું ટર્મ પણ નિર્વિધ્ન પાર પાડયું. પેલા બે મિત્રો છગનલાલ લલુભાઈ તથા ભુપતરાયની સોબતની અસર મેં લખેલી જ છે તેને તાબે થઈ આ ટર્મની આખરે મેં એક વેશ્યા સાથે મારી જીંદગીમાં પ્રથમ વ્યભિચાર કર્યો. આ જ ટર્મમાં કોલેજમાં અમારો સહાધ્યાયી એક ગરીબ ગુજરાતી હતો તેને બધા ગુજરાતીઓએ ખાવાનું પુરૂં પાડવું એમ ગોઠવણ મેં પ્રયત્ન કરી કરાવી આપી હતી તેના ઉપકારનો બદલો પણ પ્રાણલાલ સંબંધના વૃત્તાન્તમાં જણાશે.

વેકેશનમાં ઘેર આવ્યો તેવામાં મને ઇંન્દ્રિ ઉપર ચાંદી પડી. મને માલુમ નહિ કે આ રોગનું નામ ચાંદી (Syphilis) કહેવાતું હશે કે તેનાં પરિણામ ખરાબ હશે. મેં તેને સાધારણ ખસ જાણી ઉપાય ન કર્યો ને તે એની મેળે જ ૧૫-૨૦ દિવસમાં મટી ગઈ. હું મુંબઈ પાછો ગયો કે ત્રીજા ટર્મના આરંભમાં મને સખ્ત સંધિવા ઢીંચણે થયો, તે મારા મિત્રો જે મેડીકલ કોલેજમાં ભણતા તેમણે દવા કરી મટાડયો તથા ચાંદીને લીધે તે થયો એ વાત અને તેનાં અતઃપર પરિણામ પણ મને સમજાવ્યાં. છતાં મને કોઈ કુશલ દાક્તરને મળવાની સલાહ કે કશી દવા તે રોગનો પ્રતિકાર કરવાની લેવડાવવાની વાત આ મારા અનુભવ વિનાના મિત્રો બતાવી શક્યા નહિ. મેં પણ સંધિવા મટ્યો કે રોગ મટ્યો એમ સમજી વાત મેલી દીધી. ને વેશ્યાને ત્યાં કદી ન જવું એવો નિશ્ચય કર્યો. મારા મિત્ર ભૂપતરાયને સખ્ત બદ થઈ આવી ને હેરાન થયો; તથા છગનલાલ લલુભાઈને ચાંદી થઈ તે મેં મારે હાથે ધોઈ વીછળીને મટાડી.

આ સર્વ વાત છતાં મારો અભ્યાસ નિર્વિધ્ન અને નિરંતર ર્દઢ ચાલતો. આ વાત કૉલેજમાં સર્વત્ર ચર્ચાતી, તેમાં ગુજરાતીઓ બધા આળસુ અને કહ્યું તેમ રંડીબાજી દારૂબાજી ને તોફાનમાં અગ્રેસર હતા, એટલે તેમનાથી