પૃષ્ઠ:Atmavruttanta.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
મ.ન.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

મને હંમેશને માટે પરમપ્રિય થઈ પડેલો છે.

આ સિવાય નડીયાદમાં છોટુ તથા સાંકળચંદ બે સ્નેહસ્થાન હતાં, એ મેં કહેલું છે. છોટુ બાલક હોવાથી તેના પર મેં કશો વિચાર આજ પર્યત પણ કર્યો નથી, એટલે તેના વિષે હજુ કાંઈ કહેવાનું નથી. સાંકળચંદ પ્રેમનો વિચાર ઠીક સમજતો એમ હું માનું છું. પણ તેનામાં નાના પ્રકારની સ્વાર્થવૃત્તિઓ પેદા થવા માંડી હતી ને તેને અંગે તે જરા ખટપટમાં સપડાવા લાગ્યો હતો. મારી કીર્તિ તથા પ્રતિષ્ઠા વગેરે જોઈ તેને પણ ઇચ્છા થયેલી કે તેણે પણ કાંઈક મોહોટા થવું ને તે માટે તે નડીયાદમાં પુજાવાની મેહેનત કરવા લાગ્યો. એ મેહેનત વગેરેમાં એમ જણાઈ આવ્યું કે એ માણસે ફુલણીઓ અને હલકા પેટનો છે. તથા એને ગુપ્ત ઈર્ષ્યા જેવો ભાવ પોતાના મિત્રો તરફ પણ છે. આવાં થોડાં અંકુર લક્ષમાં ઉતરવાથી મારે ને તેને કાંઈ કાંઈ અણબનત થવા લાગી હતી. પણ તેનો પ્રેમભાવ મારા મનમાં દૃઢ હતો, તેમ તેના મનમાં મારે માટે તેવું જ હતું એટલે સંબંધ છુટ્યો નહિ, ઉલટો કાંઈક વિનોદનો પ્રસંગ આવ્યાં ગયો. "ઉભરાય ઉમંગ તરંગ", "ભાનુ તપ્યો નભમાં", "ઉઠ ઉઠ અમલ સૂર", "આનંદ રેલ" વગેરે કાવ્યો આ સંબંધમાં જ બનેલાં છે.

મુંબઈમાં નવા મિત્રો થયા તેમાં પ્રથમ નામ અમારા ગામના દેસાઈના દીકરા નાનાસાહેબ અથવા ગોપાળદાસ તેનું આપવું જોઈએ. મેં એક વાર લખેલું છે કે મારા પ્રતિપક્ષી વર્ગમાં હોવાથી હું તેના તરફ લક્ષ આપતો નહિ. એ આ વખતે ભણતા હતા ને વળી મુંબઈમાં ભણવા આવી રહ્યા. મને મળી તેમણે મારી મરજી ઉપરાંત થઈ મારા ઘર પાસે ઘર રાખ્યું ને મારી સાથે ઘણો સંબંધ રાખવા માંડ્યો, પણ મારૂં દિલ તેમની તરફ વળતું નહિ. વખત વીતતે તેને જ માલુમ પડ્યું કે મણિલાલના પ્રતિપક્ષીઓ જે જે નિંદા કરે છે તે પાયા વિનાની છે અને મણિલાલને મેં ધાર્યો હતો તે કરતાં જુદો માણસ છે એટલે તેણે જ મને કહ્યું, મણિલાલ ! તું મને તારા મિત્ર તરીકે માન. હું તારે માટે ભુલાવામાં પડેલો હતો પણ હવે હું મારી ભુલ સમજ્યો છું. આમ થવાથી કાંઈક સંબંધ થવા માંડ્યો. આ માણસમાં મોહોટાં અપલક્ષણ બે હતાં: ચિત્ત સ્થિર નહિ અને પેટમાં વાત ટકે નહિ બલ્કે સામે[? મા]ને સાંભળવામાં રસ પડવા નવી પણ ઉમેરી લે. આ બે અપલક્ષણ હજુ પણ હોય તો મારે તેને બનવાનું નહિ એટલો મને ડર હતો; પણ થોડા વખતમાં મને માલુમ પડ્યું કે બન્ને ઘણે દરજે કમી થયાં છે બલ્કે નહિ જેવાં છે.