પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૬
બાલવિલાસ.

કાયિક સ્થિતિમાં રહેવું નહિ. પોતાનાં બાલકને નોકર ચાકર, ધાવ, આયા, ઈત્યાદિ પાસે ધવરાવરાવવાં, કે ગાય બકરી કે ભેંશના દૂધ ઉપર રાખવાં, એ બધું બહુ ઉપદ્રવ અને હાનિ કરવાવાળું છે, ને નીરોગી માતાના પોતાના દૂધ વિના બાલક જેવું થવું જોઈએ તેવું થતું નથી એમ ઘણા પ્રસિદ્ધ દાક્તરો, ઘણાક માનસિક તવજ્ઞાન જાણનારા, ને ઘણાક અનુભવી વિદ્વાનો તે સર્વનો અભિપ્રાય છે.

બાલકોને તેમની સ્વતંત્રતાથી રમવા ફરવા કે જવા આવવા ન દેવાં, પણ પોતાની જ ઈચ્છા પ્રમાણે એક ઠેકાણે પૂરી રાખવાં એવી ટેવ કેટલીક માતાઓને હેાય છે; પણ એમ થવાથી બાલકના મન ઉપર જે અસર થાય છે તે તો જુદી પણ તેનું શરીર પણ બહુ નિર્બલ થવા માંડે છે, ને તે ખાધેલું પચવી શકતું નથી, તથા રોગી થઈ, કવચિત મરી પણ જાય છે. સારામાં સારો માર્ગ એ છે કે બાલકો માબાપને દેખી જરા પણ બીહે નહિ, પણ ઉલટાં માબાપ રાજી થશે એમ જાણી આનંદમાં રમે, તેમ થવું જોઈએ; પણ તેની સાથેજ એમના મનમાં એમ રહેવું જોઈએ કે આપણે કોઈ નિષિદ્ધ વાત કરીશું તો માતાપિતાની અરૂચિ થઇ તે ખીજ્યા વિના રહેવાનાં નથી. કેટલીક હલેતી માતાઓ બાલકને ગમે તેમ તેડે છે, રમાડે છે, પાડી નાખે છે, ને તેને તેથી જે કાંઈ હાનિ થાય તે પોતાનાં વડીલોને જણાવતી નથી; પણ એમ કરવાથી બાલકનો આખો અવતાર બગડે છે, આવા મિથ્યાભયની સાથે ઘણીક નવી માતાઓને પોતાની જીભને પણ કબજે રાખતાં આવડતી નથી; બાલકને જેથી ઉપદ્રવ થાય એવો આહાર માતા કરે છે, છાની છાની ખાય છે, ને બાલકને બહુ દુઃખનું કારણ થઈ પડે છે. આવી બધી કુટેવોથી માતાઓએ સાવધાન થઈ દૂર રહેવું, નહિ તો એ જવાબદારીનો ધંધો યથાર્થ રીતે કરવા જેટલું શરીર, મન, અને નીતિનું બલ આવે ત્યાં સુધી એ સ્થિતિમાં આવવાથી દૂર રહેવું.

ઘણીક માતાઓ બાલક પોતાની ઈચ્છાથી અવળું ચાલે, કે પોતાની કાંઈ સગવડમાં વિઘ્ન પાડે, કે તેને મારે છે, કે છાના છાના ચીમટા પણ દે છે. આમ કરવું બહુજ ખોટૂંજ છે ને છેવટ એમાંથી બાલક નઠોર અને નકામું થઈ રહે છે. પણ એમ થવાથી બાલક રડે છે ત્યારે વળી માતા તેના ઉપર પોતાનું અધિક જોર ચલાવે છે, તેને રડતું રહી જવાની બહુ ધમકી સાથે ઉતાવળ કરે છે. આમ કરવું બહુ હાનિકારક છે. બાળકને ચાલતા