પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ધર્મ.

તો સારું,” પણ સર્વે એમ ઈચ્છે છે કે 'હું હોઉં, મારી વૃદ્ધિ થાય, મને અધિક અનુકૂલતા થાય, તે સારું.’ આવી વૃત્તિ સર્વને સ્વાભાવિક છે. સુખને માટે જે સ્વાભાવિક વૃત્તિ માણસ માત્રમાં રહેલી છે તેને સંતોષ પમાડવાનો માર્ગ તે ધર્મ એમ કહી શકાય. જે માણસ જેમાં સુખ માને તે પ્રમાણે તે પોતાનો ધર્મ રચે. એ સુખનું નામજ શાસ્ત્રવાળા મોક્ષ કહે છે. જેવો મોક્ષ ઠરાવ્યો હોય તેવો ધર્મ રચાય. આ પ્રમાણે ધર્મનું જે લક્ષણ ઠરાવ્યું તેને સામાન્ય ધર્મ એમ કહે છે. સામાન્ય ધર્મ તેવો બીજો વિશેષધર્મ થાય છે. વિશેષધર્મ એટલે જે સામાન્યધર્મ ઠરાવ્યો તેને આધારે વિશેષ નિયમે રચાય તે અમુક દેશ, અમુક કાલ, અમુક લોક, ઇત્યાદિનો વિચાર રાખી જે નિયમો ગોઠવાય તે વિશેષધર્મમાં કહેવાય છે. ઉદાહરણ લઈએ. મોક્ષ એટલે નિત્ય સુખ પામવા માટે ધર્મમાત્ર થયા છે, એ તો સામાન્યધર્મનો વિષય થયો; પણ તે મોક્ષ શિવના જ્ઞાનથી, વિષ્ણુની ભક્તિથી મહંમદના પ્રસાદથી, કે ક્રાઇરસ્ટના પ્રેમથી, સિદ્ધ થવાને જે સંભવ માની તે પ્રકારે નિયમો બાંધવા, તેનું નામ વિશેષધર્મ.

કોઈ શંકા કરે કે પરમેશ્વરનું ભજન કરવું, વ્રત, જપ, તીર્થ સેવવાં, એનું નામ ધર્મ કહેવાય છે તે તો આ ઠેકાણે કાંઈ જણાવ્યું નહિ. એનું ઉત્તર એટલું જ છે કે એ બધો વિશેષધર્મનો વિષય છે; આ ઠેકાણે તો સામાન્ય ધર્મનો અર્થ સમજાવ્યો છે, નિત્ય સુખ માટે જે સ્વાભાવિક ઇચ્છા છે તેને સંતોષવાનો માર્ગ તે ધર્મ એમ ઠરાવ્યું છે તેમાં એજ અર્થ રહેલો છે કે એ સુખ શોધતાં કોઈને કર્તારૂપે ઈશ્વર માની તેની ભક્તિમાં સુખ માનવું હોય તો તેમ માને, કેાઈને જ્ઞાનરૂપ આત્માને અનુભવવામાં સુખ માનવું હોય તો તેમ માને, કે કોઈને કેવલ એકાદ પંથ કે સંપ્રદાયના આચાર્યને પૂજવામાં સુખ માનવું હોય તો તેમ માને. એવા ગમે તેટલા મતભેદ હોય તેથી કઈ અધર્મિષ્ટ કહેવાતું નથી. પણ તેમાં સારા નરસાનો ભેદ પડી શકે છે, સારમાત્ર એટલો જ છે કે જે રીતે નિત્ય સુખ એટલે મોક્ષ તેનો માર્ગ સમજાય તે માર્ગ લેવો, ને તે માર્ગ સીધો ને ટૂંકો હોય તેમ વધારે સારો. આ આખા વિશ્વમાં જે જે પદાર્થ, પ્રસંગ, સંભવ, દેખાય છે, સમજાય છે, તે બધાનો યથાર્થ વિવેક થઈ શકે, અને તેમ કરતાં જે નિત્ય સુખરૂપ મોક્ષ તે સધાય, તે ખરેખરો ધર્મ ને તેમાં પણ સીધો ને ટૂંકો માર્ગ તે ઉત્તમ ધર્મ આ પ્રમાણે ધર્મ એટલે સામાન્ય એટલે સર્વ દેશના લોકોને માન્ય એવા ધર્મનો વિવેક છે.