પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬
બાલવિલાસ

લીધે નિત્ય સારી રીતે શાન્તિથી નિદ્રાનો આરામ ભોગવી શકાય છે, ખાધેલું સારી રીતે પચે છે, ને નવા શ્રમ માટે ઉત્સાહ ઉત્પન્ન થાય છે, આથી ઉલટી રીતે જુએ તો જે આળસુ માણસ છે તેનાથી કશું થઈ શકતું નથી, તેના આગળ કાંઈ કામ આવ્યું કે તેને મહાભારત જેવું લાગવાનું. તે વિષે વિચાર કરતાં ઘણું કરીને તે, “ આપણું કામ નહિ.” “ આપણું ગજું નહિ,” એમ કહીને જ તેને ઉંચું મૂકશે-ને કોઈના કહેવાથી કદી હાથમાં લેશે તો પણ તેને આમથી આમ, ને આમથી આમ ચૂંથ્યાં કરશે, પણ એક ડગલું તેને પાર ઉતારવા પ્રતિ તે વધી શકશે નહિ, આજ તેનું માથું દુખશે, કાલ તેનો બરડે ફાટશે, ને ત્રીજે દિવસે તેને અવકાશ નહિ મળે, અવકાશ મળશે તો કામમાં જીવ નહિ પેસે, કામને લઈ બેસશે તો તેમાં કોણ જાણે હાથ કાપશે, પગ ભાગશે, કે જાતે જ ડુબશે. એવાં માણસો પોતાની જાતને અને બીજાને જે પ્રતિજ્ઞાઓથી છેતરે છે તે હસવા યોગ્ય હોય છે. “આપણે કરીએ તો ખરાં, પણ આપણામાં શક્તિ નથી ” એમ તેઓ વારંવાર બોલે છે, પણ તે શક્તિ મેળવવાનો પ્રયત્ન, કે તે કામ કરીને પોતાનામાં શક્તિ છે કે નહિ તેનો નિશ્ચય કરવાને પ્રયત્ન, તેઓ કદી કરતાં નથી. તરતાં આવડે તોજ પાણીમાં પેસવું એમ તે લોકો વારંવાર બોલે છે, પણ એટલી વાત કેવલ વિસરી જાય છે કે પાણીમાં પેઠા વિના તરતાં આવડતું જ નથી જુદા બહાનાં કાઢવામાં, નકામાં અને મિશ્યા વચન આપવામાં ને જે તે રીતે પોતાને તેમજ બીજાને છેતરવામાં તે લોક કુશલ હોય છે. પણ એજ આળસની નીશાની છે. જીભ સાજી ને હાથ પગ ભાગલા એજ ખરા આળસનું લક્ષણ છે, એનાથી જગતમાં કાંઈ થયું નથી, થવાનું નથી, તે જીવતાં જ મુવેલું છે.

ઘણાંક એમ જાણે છે કે જે માણસ જે ધંધાને યોગ્ય હોય તે માણસજ તે ધંધો કરી શકે. વેપારીઓ જાણે છે કે નિશાળમાં ભણેલા લોક વેપાર કરી નજ શકે; માસ્તરો અને મહેતાજીઓ જાણે છે કે વેપારીઓ વિદ્વાન હોઈ ન શકે, રાજદ્વારી લોક નિશાળમાં ભણેલાને તો હસેજ છે, ને છોકરાં ભણાવવા વિના બધા ધંધા માટે તેમને નાલાયક ગણે છે; ખેડૂતો તે વળી સર્વેને નકામા ગણે છે, ને સર્વ ખેડુતોને નકામા ગણે છે. આવો પરસ્પર ધંધાનો વિરોધ ચાલે છે, ને જેને ધંધો કે કારભાર કહેવાય છે તેમાં પડેલા લોક એમજ સમજે છે કે કવિતા કરનારાં, કે જ્ઞાનની વાતો કરનારાં, એટલે જેને સાધારણ રીતે કેળવાયેલાં કહીએ છીએ તેવાં કંઈજ કામનાં નથી ! પણ આવા વિરોધમાં કશું તત્ત્વ નથી, જે મનુષ્ય કોઈ