પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮
બાલવિલાસ.

સંસારમાં ઘર રૂપે, સગામાં કુટુંબ રૂપે, કે જગતમાં દેશ રૂપે, પ્રસિદ્ધિ પામતાં નથી, સુખી થતાં નથી, સંતોષ વાળતાં નથી.

ક્ષમા.
૧૨.

માણસની સદ્દવૃત્તિ જેમ જેમ કેળવાતી જાય છે, તે જેમ શાન્તિથી વર્તતાં તે સુખી થાય છે, તેમ તેમ તેને પોતાની સ્થિતિ વિષે અસંતોષ કરવાનું મન થતું નથી. તેમ પારકાની કોઈપણ રીતભાતથી કે સ્થિતિથી ક્રોધ પેદા થતો નથી. ક્રોધ છે તે થોડીક ઘડીનું ગાંડાપણું છે. તેને વશ થઈ, માણસ શું કરે છે તે કહી શકાતું નથી; તે ગમે તેમ કરે છે, પારકાનું કે પોતાનું ગળુ સુધાંત કાપે છે. પણ એ ગાંડાપણું શમી જતાની સાથેજ પશ્ચાત્તાપ પેદા થાય છે, ને પોતાના કામને મનમાં નિત્ય કલેશ રહ્યા કરે છે. કોઈએ આપણને ગાળ દીધી હોય ને તે સાંભળીને જ આપણે ચાલ્યાં આવ્યાં હાઈએ તેથી આપણને આપણા મનમાં જેટલી શાન્તિ વળે છે, તેટલી શાનિત તે ગાળ દેનારને આપણે સામી ગાળ દઇને આવ્યા હોઈએ તેનાથી વળતી નથી. આ વાત અનુભવસિદ્ધ છે, ને જેણે એ ન અનુભવી હોય તેને કરી જોવા જેવી છે જગત પણ કોને માન આપે છે ? ગાળ સાંભળીને ચાલી જનારને જ: સામી ગાળ દેનારને નહિ. કોઈ માણસ આપણા ઉપર ગમે તે રીતે ક્રોધ જણાવે તો આપણે પણ તેને સામે ક્રોધ જ જણાવવો એમાં સારા નઠારાનું માપ રહ્યું નહિ, પણ જ્યારે નઠારો માણસ નઠારાપણું બતાવે, ત્યારે સારામાં સારાપણું બતાવવું જોઈએ, ને ક્રોધની સામે ક્ષમાનું જ શસ્ત્ર વાપરવું જોઈએ. એમ કરવાથી આપણા અંતઃકરણને કલેશ થતો નથી. એ લાભ ઘણો મહોટો છે. પ્રતિપક્ષીને દંડ પણ એ જ આચરણમાંથી થયા વિના રહેતો નથી.

ક્રોધ શાથી પેદા થાય છે? માણસો પોતાના અંતરાત્માને પ્રસન્ન રાખવાનું ભૂલી જઈ, પોતાના અંતકરણના જુદા જુદા વેગને સંતોષવાને પ્રયત્ન કરે છે તેથી. બીજી રીતે કહીએ તો જે પોતાનું ખરું કામ છે, કે જેનાથી પોતાને નિત્ય સંતોષ થાય છે તેમ છે તેને મૂકી, જે પોતાનું કામ નથી, ને જેનાથી માત્ર ક્ષણિક હર્ષ પેદા થવા જેવું છે, તેવી વાત પાછળ માણસ ફાંફાં મારે છે; આમ થવાથી તેના મનમાં ઘણીક ઈચ્છાઓ અને આશાઓ પેદા થાય છે, તે આશાઓ પૂર્ણ થતી નથી, ત્યારે પોતે જેની આશા રાખી હોય તેવા