લખાણ પર જાઓ

પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦
બાલવિલાસ.

નથી. ઉત્તમ માર્ગ એ જ છે કે યોગ્ય વયગુણવાળાં બાલક બાલકીનો વિવાહ કરી રાખી પછી તેમને ભેગાં હરવા ફરવા દેવાં, અને જો તેમાંથી તે બેને ઉત્તમ પ્રેમ બંધાય, તથા તેમના ગુણ પરસ્પરને અનુકૂલ લાગે, તો પછી મહોટી વયે તેમને પરણાવવાં. પરણવા યોગ્ય વયનો, તથા લગ્નના પ્રકારનો વિચાર સંસ્કારના પાઠમાં કરેલો છે, પણ અહીંઆ તો લગ્ન એટલે શું તેજ તમને સમજાવવાની આવશ્યકતા હતી. કે જેથી કરીને તમે પત્નીધર્મના હવે પછી આવશે તે પાઠ સારી રીતે સમજી શકો.

વ્રત-ભાગ ૧.
૧૮.

નીતિ, પુણ્ય, પાપ, એ સર્વનો નિશ્ચય કર્યો છતાં તેમાં સ્નાન, જપ, તપ, ઇત્યાદિ તેમ બીજા અનેક વ્રત વિષે કશું કહેવામાં આવ્યું નથી ને શાસ્ત્રમાં તો એવીજ વાતોને ધર્મ અથવા પુણ્યમાં ગણવામાં આવી છે, ત્યારે તેમનો સમાસ કયાં થાય ? આ વાત સમજતા પહેલાં એટલું જાણવું જોઈએ કે એ બધી વાતનો હેતુ શો છે? શાસ્ત્ર અમુક વાત કરવાની કે ન કરવાની આજ્ઞા શા માટે આપે છે ? આપણે જે નીતિનો માર્ગ કહ્યો, જે સુખ અથવા મોક્ષનું રૂપ કહ્યું, તથા પુણ્યનો જે નિયમ કહ્યો, તે બધાં આપણાથી બરાબર પાળી શકાય કે નહિ એ બહુ શંકાભરેલું છે, કારણ કે એકાત્મભાવ એ જે મેં કહ્યો છે, અને પરસ્પર વિરોધવાળાં આ સંસારનાં કામ, એ બેનું સમાધાન થવું કઠિન છે; છતાં સમાધાન કર્યા વિના ચાલે એવું નથી, તે કરવામાં આપણી એકલાની બુદ્ધિજ નક્કી માર્ગ લેઈ લે એમ થવું અશક્ય છે. આટલા માટે શાસ્ત્રની આજ્ઞાઓ આપણને માર્ગ બતાવે છે, ને સંસારના વિકટ પ્રસંગોમાં કીયે માર્ગે જવું એ મોક્ષની દૃષ્ટિથી ખાટું નથી તે આપણને સમજાવે છે. બીજી રીતે કહીએ તો શાસ્ત્રમાં જે નિયમ કહ્યો છે તે જે રીતે એકાત્મભાવ અનુભવાય તે રીતિના સંબંધના નિયમ છે. ત્યારે એ વાત જાણવાની રહી છે શાસ્ત્ર એટલે શું? શાસ્ત્રને નામે અનેક વાતે ચાલે છે, પણ તેમાંની કેટલીક કેવલ નિર્મૂલ હોય છે. શાસ્ત્ર એટલે પ્રથમ વેદ, તે પછી સ્મૃતિ, ને તે પછી પુરાણ તથા તંત્ર; એની આજ્ઞાઓ માનવી; એમાં પણ તંત્રથી માંડીને એક એક આગળ ચઢતાં જઇએ તેમ વધારે પ્રમાણવાળું ગણાય, પણ સર્વને વેદના આધારની અપેક્ષા છે. વેદવાકય રાજાની આજ્ઞા જેવું છે, સ્મૃતિ