પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૨
બાલવિલાસ.

જે દેવલોકના વૈદ્ય કહેવાય છે તેમને કાંઈ કારણથી યજ્ઞમાં ભાગ મળવો બંધ થયો હતો, તે ચ્યવન ઋષિ પાસે અને સુકન્યા સતી પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પવિત્ર દંપતી ! તમે અમને અમારા યજ્ઞભાગ પાછો અપાવો, પોતાના તપોબલથી ને સતીના પરાક્રમથી ચ્યવને તેમને યજ્ઞભાગ અપાવ્યો , ત્યારે તેમણે પ્રસન્ન થઈ કોઈ દિવ્ય ઔષધિનો કુંડ ભરી તેમાં ચ્યવનને નહાવાનું કહ્યું. ચ્યવનઋષિ નાહીને બહાર નીકળ્યા તો પોતે અને બે અશ્વિનીકુમાર એ ત્રણમાંથી કેાઈ ઓળખી શકાય નહિ, એવા દિવ્યરૂપવાળા થઈ ગયા. સતી કન્યાએ પોતાના સ્વામીને તત્કાલ પરખી લીધા, અને અશ્વિનીકુમાર સતીને અનેક આશીર્વાદ આવી સ્વર્ગમાં ગયા. પછી એકવાર શર્યાતિ રાજા પુત્રીની ભાળ જોવા આવ્યો તો તેણે આશ્રમમાં અતિ દિવ્ય કાંતિવાળો ને જુવાન પુરૂષ જોયો. એથી તેણે બહુ ક્રોધ કરી પોતાની પુત્રીને અતિ દુષ્ટા કહી શાપ દેવાનો વિચાર કર્યો ત્યારે પુત્રીએ એનો આશય મનમાં જાણી લઈ અશ્વનીકુમારનો વૃત્તાન્ત કહી સંભળાવ્યો, તથા સતીધર્મ સમજાવતાં કહ્યું કે મારે તો એજ મારા ઇશ્વર છે, પૂજ્ય છે, રક્ષક છે, સર્વસ્વ છે; પણ દૈવયોગે આવું સારું થયું એ તમારા આશીર્વાદનું ફલ છે. શર્યાતિએ કહ્યું કે બેટા ! એ તારા સતીત્વનું પરાક્રમ છે, એના વડે તું ત્રિભુવનમાં પૂજ્ય થઈ છે. પછી શર્યાતિ પોતાને સ્થાને ગયો, અને ચ્યવન તથા સુકન્યાએ અતિ પ્રેમમાં સુખમય દિવસ ગાળ્યા. સતીનો મહિમા સર્વ સાધવાને સમર્થ છે.

સન્નારી-શકુંતલા-ભાગ ૧
૨૭


ગૌતમી નદીના તટ ઉપર તપશ્ચર્યા કરતા કૌશિક ઋષિનાં તપમાં ભંગ પાડવા દેવતાઓએ મેનકા નામની અપ્સરા મોકલી હતી. તે અપ્સરાને શકુંતલા નામે પુત્રી થઈ, તેને છાંડી કૌશિક ઋષિ જતા રહ્યા. ત્યારથી તે, દયાળુ કાશ્યપ ત્રાષિના આશ્રમમાં ભરણપોષણ પામી મહોટી થઈ.એક સમયે કાશ્યપ ઋવિ શકુંતલાનું કાંઇક ભાવિ અનિષ્ટ દૂર કરવાને તપ કરવા ગયા હતા તેવામાં મૃગયા રમતો રમતો દુષ્યન્ત રાજા, ઋષિના આશ્રમ પાસે આવી પહોંચ્યા. આશ્રમને દેખી રાજાએ મૃગયા બંધ કરી; અને તપસ્વીને કાંઈ વિદન થયું તો નથી તે જોવા તથા ઋષિઓને અભિવંદન કરવા પોતે અંદર ગયો. ત્યાં તેણે શકુન્તલાને તેની સખીઓ સાથે વૃક્ષને પાણી પાતી જોઈ અને એ બાલાના રૂપથી આશ્ચર્ય લાગ્યું કે