પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૧
સન્નારી-સુકન્યા

સન્નારી-સુકન્યા
૨૬

શર્યાતિ રાજાને સુકન્યા નામે અતિ ગુણવાળી રૂપવતી કન્યા હતી. પ્રસંગે કરીને એક સમય વનમાં શર્યાતિ પોતાનાં માણસ અને પોતાની કન્યા સમેત પડયો હતો, તેવામાં સુકન્યા સખીઓ સાથે રમતી રમતી આ વાડેથી પેલી વાડે ને પેલી થી દૂરની વાડે એમ દૂર નીકળી ગઈ. ત્યાં તેણે એક રાફડૉ જોયો. મહોટો માટીનો ઢગલો થઈ ગયેલો હતો, ને તેના ઉપર વેલા વીટાઈ ગયા હતા, તથા જાળાં વળી ગયાં હતાં. પણ એક ઠેકાણે માત્ર બે કાણાં હતાં તેમાંથી કાંઈ ચકચકતું હતું. બાલકનું મન બહુ રમતીઆળ હોય છે, તે પ્રમાણે ચાલતા અને કુતુહલથી સુકન્યાએ આ શું હશે એમ જણી પેલા કાણામાં શળ ખોસી. તે જ સમયે તેમાંથી લોહીની ધારા નિકળી તે જોઇને કન્યા ગભરાઈ, ને પોતાના પિતા પાસે જઈ બધી વાત નિવેદન કરવા લાગી. શર્યાતિએ તે સ્થાને આવી બધો રાફ સંભાળથી ખોદી કઢાવ્યો, તો સમાધિમાં બેઠેલા કોઈ મહા તપસ્વીને જોયા; ને કન્યાની રમતથી તેનાં ચક્ષુ ફૂટી ગયાં હતાં એમ તેને લાગ્યું. રાજા બહુ ખેદ પામ્યો, અને આ બ્રાહ્મણ શાપ દેશે તો મારું નસંતાન થઈ જશે એમ વિચારી કંપવા લાગ્યો. એવામાં ઋષિ સમાધિમાંથી જાગ્યા, એટલે તેમને શર્યાતિએ બહુ રીતે પ્રણિષત કરી શાંત કર્યા, એ ઋષિનું નામ ચ્યવન હતું. ચ્યવન ઋષિએ કહ્યું કે હે રાજા ! તું ધર્મિષ્ઠ છે એટલે હું તને કાંઈ શાપ દેતો નથી, પણ મારા અંધાપામાં મારી સેવા કોણ કરશે તેનો તું વિચાર કર. આ વાત ઉપરથી રાજા સમજી ગયો, અને પોતાની પુત્રી સુકન્યાને ચ્યવન ઋષિને પરણાવી. સુકન્યાએ પણ પિતાની આજ્ઞા માન્ય કરી, ને પોતાનાથી જેનું અનિષ્ટ થયું હતું તેને જેટલું સુખ અપાય તેટલું આપવાનો નિશ્ચય કરી વનના આશ્રમમાં જ રાજ સમૃદ્ધિને ત્યાગ કરી તે રહી. પિતાએ એને સેવક ધન ઇત્યાદિ આપવા માંડયું પણ કાંઈ લીધું નહિ.

નિરંતર પ્રાત:કાલે વહેલી ઉઠી સ્નાન કરી પતિને સ્નાન કરાવે, ને પુષ્પફલાદિ લાવી દેવાર્ચન માટે મુકે, પછી ભોજનની સામગ્રી કરી સ્વામીને જમાડે, અને તેમના શરીરની સેવા કરે.ચ્યવન ઋષિ પણ બહુ પ્રસન્ન થઈ, તેને શ્રમ કરવાની ના કહે પણ સાધ્વી સતી કદાપિ જંપે નહિ. એમ કરતાં ઘણાંક વર્ષ વિત્યાં ; એવામાં સુર્યના પુત્ર અશ્વિની કુમાર