પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૦
બાલવિલાસ

કે આપ ગમે તેવા હો તો પણ મારા પતિ છો, ને હું તમને પ્રસન્ન રાખવામાં જ મારું કલ્યાણ જાણું છું. નાગરાજે બહુ પ્રસન્ન થઈ કહ્યું રે સુભગે ! આવો ઉત્તમ ધર્મ તે ક્યાંથી જાણ્યો ? આ ઉપરથી ભોગવતીએ નાગરાજને સતીધર્મ, શાસ્ત્ર પ્રમાણે કહી સંભળાવ્યો. તે સાંભળતાંજ નાગને પોતાની પૂર્વ જાતિનું સ્મરણ થયું અને બોલ્યો “ રે સતી ! ધન્ય છે તારાં પુણ્યને ! હું પૂર્વ વાસુકિનો પુત્ર હતો. એક વખત સૌભરિ નામે તપસ્વીના કાંઈક આચાર જોઈ તેમને ઉપહાસ કર્યો, તેથી તેમણે શાપ દીધો કે તું નાગ થશે. મેં બહુ પશ્ચાત્તાપ કરી વિનતી કરી ત્યારે મહાત્માએ દયાભાવથી કહ્યું કે તું શૂરસેનનો પુત્ર થશે ને તારી પત્ની ભોગવતી થશે. જ્યારે તેને મોઢેથી તું સતી ધર્મ સાભળશે ત્યારે તને તારી જતિનું સ્મરણુ થશે, ને તું પૂર્વરૂપ શી રીતે પામે તે પણ તને સુજશે. પ્રિયે ! મને હવે સુજ્યું છે, તું મને ગોદાવરીના પવિત્ર જલમાં સ્નાન કરાવ, ને ત્યાં મારા નામથી શિવાલય રચાવ: એટલે તેનાં દર્શન કરી હું તે દિવ્યરૂપવાળો થઈશ." સાસુસસરાની આજ્ઞા લઈ ભોગવતી એ બધું યથાર્થરીતે કર્યું, એટલે નાગપુત્ર અતિ દિવ્યરૂપવાળો થઈ ગયો. પછી ભોગવતીના ભાગ્યનો પાર રહ્યો નહિ. નાગપુત્ર જ્યારે પોતાના રાજ્યમાં આવ્યો ત્યારે તેના ભાઈઓએ તેને દૂર રાખવા પ્રયત્ન કર્યો પણે તેમનો પરાજય કરી, તેમને યથોચિત ક્ષમાપુર્વક પ્રાસાદિ નિયમ કરી આપી, ભોગવતી સાથે તેણે પરમ સુખ ભોગવ્યું.

આ વાતનો સાર શો છે ? ભાગવતી જેવી સતીએ જે ધર્મ પાળ્યો છે તે સમજવા યોગ્ય છે. પોતાનાં માતાપિતાએ જે સાથે પોતાનું લગ્ન કર્યું તે જ પતિ છે એમ તેણે સર્વદા માન્યું છે, ને તેની જ સેવા કર્યા કરી છે, સતીના પુણ્ય શું નથી થતું ? સર્પ પણ દિવ્યરૂપવાળો થઈ ગયો ! ભોગવતીનો પતિ ખરેખરો સર્પજ હશે એમ નથી, પણ સર્પ જેવાં દુષ્ટ આચરણવાલો કોઈ પુરુષ હશે. તે પણ સતીનો પ્રેમ અને સતીની ભક્તિ જોઈ પોતાની દુષ્ટ રીતભાતથી લજવાયો; તેના હૃદયમાં, સતી જે રીતે પોતાનું સુખ વિસરી પારકાનું એટલે પતિનું સુખ સાધતી હતી તે રીતની ઉત્તમ ધર્મબુદ્ધિએ આ ભારે આઘાત કર્યો ને તેથી તે સુધરી ઉત્તમ આચારવાળો થયો. સ્ત્રીને આખું જગત્ આધીન છે, જેવી તેની વૃત્તિ હોય તેવી તેના પતિની થાય છે. સતીએ કદાપિ પોતાના સ્વરૂપને વિસરવું નહિ.