પૃષ્ઠ:Bansari.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની નોંધ:૧૬૯
 

નાંખી; મારું આખું શરીર આ પ્રયત્નમાં જાણે થાકી ગયું. પરંતુ આંખ આંખમાંથી દૂર થતાં મારી નિબર્ળતા ઓછી થઈ. જો આ ક્ષણે હું નિબર્ળતા બતાવીશ તો મારી સમગ્ર સત્તા હણાઈ જઈ. હું આ કર્મયોગીનો દાસ બની જઈશ એવો મને ભય લાગ્યો. શારીરિક બળને માટે તો હું સદા તૈયાર હતો. જ; પરંતુ આવા પ્રકારનું માનસબળ મારી સામે અથડાયું નહોતું. કોઈ દૈવી સત્તાએ જ મને મારી આંખ ખસેડી લેવાનું સામર્થ્ય આપ્યું. હું તે ક્ષણ સાચવી શક્યો. જોકે મને આ પ્રયત્નમાં ઘણો જ શ્રમ પડ્યો, છતાં કર્મયોગીના બળની મર્યાદા હું ઓળંગી શકયો. મારી આંખ ખસતાં બરોબર કર્મયોગી સમજી ગયો. તેણે કહ્યું :

’શાબાશ, જ્યોતીન્દ્ર ! તારામાં પણ બળ તો છે જ. પરંતુ હવે હું નહિ કે તું નહિ. મારા કરતાં માનસિક બળ વધારે ધરાવે એવો કોઈ હરીફ હું સહન કરી શકીશ નહિ. થોડા દિવસ તારા ઉપર પ્રયોગો કરવા પડશે.’

“આટલું બોલી જરા હસી તે ચાલ્યો ગયો. ક્યાં ચાલ્યો ગયો તે મને સમજાયું નહિ. હું જમીન ઉપર બેસી ગયો અને મેં આંખો પણ મીંચી દીધી. આખો ઓરડો મને ફરતો લાગ્યો. હું બેભાન બની ગયો.

“હું ક્યારે ભાનમાં આવ્યો તે મને ખબર નથી. પરંતુ મને ભાન આવ્યું ત્યારે બંસરી મારી પાસે બેઠી હતી. તેણે પૂછ્યું :

'હવે કેમ છે ?'

'ઠીક છે. પણ મને શું થઈ ગયું ?’

‘કર્મયોગી શું કરે છે તેની કોઈને ખબર પડતી જ નથી.’

‘આપણે ક્યાં છીએ ?’ મેં પૂછ્યું.

‘ગાડીમાં.'

“ખરે ! મને સહજ સમજાયું કે અમે રેલ્વેમાર્ગે ઝડપથી ચાલ્યાં જઈએ છીએ.

“હું બેઠો થયો. બહુ દિવસ તાવ આવવાથી જેવી અશક્તિ લાગે, તેવી અશક્તિ મારા શરીરમાં પ્રવેશ કરી ગઈ હતી. ગાડીની બારી પાસે હું બેઠો. શીળો પવન આવવા લાગ્યો એટલે મારું મન અને શરીર પ્રફુલ્લ બનવા માંડ્યાં. સંધ્યાકાળે અમે એક સ્ટેશને ઊતર્યા. મારો હાથ એક મજબૂત માણસે ઝાલ્યો, અને સ્ટેશનની બહાર જઈ એક મોટરમાં હું, બંસરી તથા પેલો મજબૂત માણસ એટલાં જણ બેઠાં.

"એક એકાંત મકાન પાસે મોટર ઊભી રહી. મને તથા બંસરીને પેલો માણસ ઘરમાં લઈ ગયો. મારામાં શક્તિ આવવા માંડી અને ખાસ કરી