પૃષ્ઠ:Bansari.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારું ઘર : ૨૫
 

રસોઇયો, થોડું ગીરો મૂકેલું ફર્નિચર અને ગીરો મૂકેલું મોટું મકાન, એટલું જ માત્ર મારી જાહોજલાલીના અવશેષ રૂપ હતું. બે-ચાર મિત્રો માટે શુભ લાગણી ધરાવતા હતા. તેઓ મારે ત્યાં વખત બેવખત આવતા. જ્યોતીન્દ્ર મારી સારી સ્થિતિ વખતે બહુ જણાતો નહિ; મારી દેવાદાર સ્થિતિમાં તે ઘણી વખત આવતો, એટલું જ નહિ પણ મને તેને ઘેર ઘણુંખરું બોલાવતો. ગરીબીમાં રહેલા એ થોડા મિત્રો પણ મારી ગુનેગારની સ્થિતિમાં ખસી જશે એમ મારી ખાતરી થઈ. તેમાંયે જ્યોતીન્દ્રના વલણની તો ખબર પડી જ ગઈ. આવા સમયમાં એક ખૂની તરીકે ગણાતા ગરીબ માણસની સહાયે કોણ ઊભું રહે ? આવા વિચારમાં મશગૂલ થઈ મેં મારી ઓરડીમાં પ્રવેશ કર્યો. સામે બંસરીની છબી હતી. એ છબી એટલી જીવંત હતી, અને બંસરીનું સૌંદર્ય એટલું આબેહૂબ રીતે વ્યક્ત કરતી હતી કે એક ક્ષણ તો તેનું ખૂન થયાની વાત હું ભૂલી જ ગયો. ‘હું તો આ રહી !’ એમ જાણે બંસરી જ કહેતી ન હોય, એવો ભાસ છબી આપતી હતી.

‘ભાઈ ! આજ તો ચા પણ પીધી નથી !’ પાછળથી અવાજ આવ્યો. મારો રસોઇયો મારી પાછળ ઊભો હતો. ગમે એટલા ધોતિયાં અને સાબુ પૂરો પાડવા છતાં અમુક ઢબની મેલાશ અને કાળાશ ધોતિયા ઉપર સતત રહી શકે છે એમ દુનિયાને પુરવાર કરનાર આ ઋષિમુનિના આ અર્વાચિન પ્રતિનિધિના કાળાશ પડતા દેહ ઉપર ધોતિયું અને જનોઈ એ જ બે સૂતરવણાટની કારીગરી દેખાતી હતી. ત્રિપુંડ તેમનું ધાર્મિકપણું સ્પષ્ટ કરતું હતું. પંચાવન વર્ષની ઉમરમાં ત્રણ વખત તેઓ લગ્ન કરી ચૂક્યા હતા; પાંચેક વર્ષ ઉપર થયેલું તેમનું છેલ્લું લગ્ન તો મને પણ યાદ છે. તેમના કાર્યમાં વેદાંતની છાપ પડી રહેલી હતી. તેમનો આનંદ પણ મર્યાદિત અને તેમનો શોખ પણ મર્યાદિત રહેતો. તે લાંબા વખતથી મારી પાસે રહેતા હતા, અને જ્યારે એક કરતાં વધારે રસોઇયા હું રાખતો ત્યારે તેઓ બીજા રસોઇયા તેમ જ નોકરો ઉપર મુકાદમી કરતા. બીજા બધા માણસો ચાલ્યા ગયા, પરંતુ તેઓ મને વળગી રહ્યા હતા, ને મારે માટે ખાસ કાળજી રાખી અડધો માતાનો અને અડધો પત્નીનો સંતોષ આપવા તેઓ તત્પર રહેતા.

‘જ્યોતિને ત્યાં ચા પી લીધી છે.' મેં જવાબ આપ્યો.

‘બીજી તૈયાર કરતાં વાર નહિ લાગે. પાણી તૈયાર છે.'

‘નહિ ભાઈ ! મારે તો જમવું પણ નથી.’

‘અરે, એ તે કંઈ ચાલે ? આજે તો તમને ભાવતું સરગવાની શિંગોનું શાક કર્યું છે.’

‘શાકને જહન્નમમાં નાખો. મને હમણાં બોલાવશો નહિ.’