પૃષ્ઠ:Bansari.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મિત્રોની વચમાં

મુજ સુખદુઃખ હિંડોળે અથવા
ઊતરતો એ કેવલ રોના
રોઈ રોઈ હળવું કરતો એ દિલ.
ઓ મારા કોકીલ!
બળવંતરાય

મને સુધાકરે મોકલેલો પત્ર કોરો હતો. કોરો હોય કે લખેલો, પરંતુ જ્યોતીન્દ્રે શા માટે મારા કાગળને અડકવું જોઈએ ? કોઈના પણ પત્રને તેની રજા વગર લેવો એ તેને ભારે અપમાન આપવા બરોબર છે. સુધાકરે જ્યોતીન્દ્રને બોલાવ્યો. બંને વચ્ચે એક પ્રકારનો તિરસ્કાર નહિ તો ઉદાસીનતા તો હતી જ. સુધાકરને જ્યોતીન્દ્ર ગમતો નહિ અને જ્યોતીન્દ્રને સુધાકર ગમતો નહિ, છતાં મારે લીધે બંને વચ્ચે આછો મૈત્રીનો ભાસ ટકી રહ્યો હતો. જ્યોતીન્દ્ર પોલીસનો માણસ છે, સરકાર તેને પૈસા આપી પોતાના જ દેશી ભાઈઓને ગરદન મારવામાં તેનો ઉપયોગ કરે છે. તેનો ક્ષણ પણ ભરોંસો રાખી શકાય નહિ, એવી માન્યતા સુધાકર વારંવાર મારી આગળ રજૂ કરતો. જ્યોતીન્દ્ર સુધાકરની વિરુદ્ધ કાંઈ કહેતો નહિ, પરંતુ વખતોવખત તેના ઉદ્ગારો ઉપરથી સુધાકર માટે તેનો અભિપ્રાય સારો નહોતો એટલું તો સ્પષ્ટ જણાતું. અત્યારે તો જેને મેં દુશ્મન માન્યો હતો એ જ સુધાકર મારી કુમકે ઊભો હતો, જ્યારે મારો પરમ મિત્ર જ્યોતીન્દ્ર મારા દુશ્મનોના ટોળામાં ભળી ગયેલો લાગતો હતો. જ્યોતીન્દ્રને માટે સુધાકરે દર્શાવેલા અભિપ્રાયો ખરા પડતા હતા.

‘તું ક્યાંથી ? બેસ.' સુધાકરે જ્યોતીન્દ્રને બેસાડ્યો.

‘મારે કામધંધો શો ? આમથી આમ ફર્યા કરવું !' જ્યોતીન્દ્રે પેલો કાગળ હાથમાં ફેરવતાં કહ્યું.

‘તારો ધંધો તો જાણીતો છે.' સહજ તિરસ્કારથી સુધાકરે કહ્યું.

‘સવારનો મને તેના પહેરામાં રાખીને ફરે છે.' મેં કહ્યું. ‘અત્યારે તો જરા એકલો મૂકવો હતો !’

‘તને એકલો મુકાય એવી સ્થિતિ જ નથી ને !’ જ્યોતીન્દ્ર બોલ્યો.