પૃષ્ઠ:Bansari.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪: બંસરી
 

તેની ના માનવા જેવી અને હસવા જેવી વિચિત્રતાઓમાં જ એ કથનને અમે મૂકતા.

‘તો પછી આ ગાળી મારી કોણે ?’ હિંમતસિંગે પૂછ્યું.

‘ગોળી મારનાર અદ્દશ્ય થઈ ગયો. તમે, તમારા માણસો અને હું એ સઘળા જોતા રહ્યા અને તે ચાલ્યો ગયો.’ જયોતીન્દ્રે જવાબ આપ્યો.

હિંમતસિંગ જરા વિચારમાં પડ્યો. તેનું મુખ સખત બન્યું. જરા રહી તે બોલ્યો :

‘સાહેબ ! અમારે આપને મદદ આપવાની છે. ગુનેગારોને નહિ.’

'મેં તમારી મદદ માગી નથી. અણઘડ પોલીસોની મદદ વગર મને ચાલશે.' જ્યોતીન્દ્રે જરા કડકાઈથી કહ્યું.

‘તો પછી આપણે પોતપોતાને માર્ગે કામ કરવું જોઈએ. હું આપનાથી છૂટો પડી જાઉ છું.’

'ભલે.’

અને એમ છૂટો પડતાં બરોબર હું મારો અધિકાર વાપરી મારા ગુનેગારને અટકમાં લઉં છું.' હિંમતસિંગે કરડાકીમાં જણાવ્યું.

'તમે અટકમાં લઈ જુઓ.’ જ્યોતીન્દ્રે કહ્યું.

'જુઓ સાહેબ ! એક ખૂનીની મદદે ચડવાથી વધુ ખૂનો થશે એમ મેં પ્રથમથી જ કહ્યું હતું. આપે ખૂનીને છૂટો રાખવા જણાવ્યું. આપનું કહેવું કમિશનર સાહેબે માન્યું, તો જુઓ અત્યારે એક ખૂન થતું રહી ગયું છે. આપણે ન આવ્યા હોત તો જરૂર ખૂન થાત ! અને હું હજી પણ કહું છું કે લોહી ચાખેલા વાઘને છૂટો મૂકવો અને ખૂને ભરાયેલા ખૂનીને છૂટો મૂકવો બંને સરખું જ છે.’

'સુરેશ ! અત્યારે પણ ખૂનની તેં જ કોશિશ કરી છે એમ આ હિંમતસિંગ માને છે.' જ્યોતીન્દ્રે મારા તરફ ફરી કહ્યું.

'મારે શું છે, ભાઈ ! હું કોને, શા માટે મારું ? મારી પાસે સાધન શું ? તમે બધા મને ગાંડો બનાવી મૂકશો.' મેં ઉશ્કેરાઈને જવાબ આપ્યો.

'કેમ સાધન નથી એમ કહે છે ? તારા હાથમાં તો રિવોલ્વર છે. તેં કોને માર્યો તે તો જણાઈ આવે છે. શા માટે માર્યો તે તું જાણે.’

મારો ગુસ્સો હાથમાં રહ્યો નહિ. જેને સ્વપ્ને પણ ખૂનનો ખ્યાલ નહોતો, જે માત્ર એક અકસ્માતનો ભોગ થઈ પડ્યો હતો અને તે સહજમાં ગોળી વાગતાં બચી ગયો હતો, તેને જ પાછો ખૂની તરીકે ગણવાનો થતો પ્રયત્ન ભલભલા શાંત માણસને પણ ખૂની બનાવવા માટે