પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


સાચી છે એની તમને ખાતરી છે, ત્યારે એમણે કહેલું કે એ લેખો ન વાંચ્યા હોત તોચે મને તો ખાતરી જ હતી. કારણ હિંદુસ્તાનમાં અને ખાસ કરીને ગુજરાતમાં જમીનમહેસૂલની વિટંબણા વિષેની ખેડૂતની ફરિયાદ સાચી જ હોવી જોઈએ એવી મારી ગળા સુધી ખાતરી છે. ખેડાના ખેડૂતની પાયમાલી પોતાની આંખે જોઈ હતી, અને એ પાયમાલીના ઉપાય કરવાને બદલે રેવન્યુખાતાના અમલદારો એને વધારે ને વધારે પાયમાલીને પંથે ચડાવી રહ્યા હતા એ વિષે પણ એમને શંકા નહોતી, એટલે બારડોલીના લોકો જરા પણ તૈયાર હોય તો બારડોલીની લડત ઉપાડવી અને બારડોલી દ્વારા આખા ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન આખરે પતાવવો એ એમનો મનોરથ.

ખેડૂતના એમના નિરવધિ પ્રેમની અંદર એ ભાવના રહેલી છે. એઓ વારંવાર કહી સંભળાવે છે : ‘કણબી કેડે ક્રોડ કણબી કોઈ કેડે નહિ !’ ‘ઓ ખેડૂત તું ખરે જગતનો તાત ગણાયો.’ એ વચનને એઓ અક્ષરશઃ સત્ય માને છે, અને વારંવાર સંભળાવે છે કે દુનિયામાં ખરા પેદા કરનાર વર્ગ ખેડૂત અને મજૂર છે, બાકીના બધા ખેડૂત અને મજૂર ઉપર જીવનાર છે. એ પેદા કરનારાઓની સ્થિતિ પૈસાથી ઉત્તમ હોવી જોઈએ, તેને બદલે આપણે સૌથી અધમ કરી મૂકી છે. એટલે બીજી ભાવના એ રહેલી છે કે ખેડૂતે સર્વોપરી સ્થિતિ ભોગવવી જોઈએ તેને બદલે તે અધમ સ્થિતિ ભોગવે છે તેનાં કારણો ખેડૂત ડરપોક બની ગયો છે, ખેડૂત અજ્ઞાન છે, એ છે. એટલે ખેડૂતમાંથી ડરનો નાશ કરી, તેને મરદ બનાવવો, ખેડૂતને પોતાની પ્રતિષ્ઠાનું સંપૂર્ણ ભાન કરાવવું એ જ એમણે પોતાનું પરમ કર્તવ્ય માન્યું. “આ ધરતી ઉપર જો કોઈને છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો તે ધરતીમાંથી ધનધાન્ય પેદા કરનાર ખેડૂતને જ છે,” એ તેમના વચનમાં ખેડૂતને વિષેની તેમની ઊંચી ભાવના અને ખેડૂત વિષેનું તેમનું અભિમાન સૌ કોઈ વાંચી શકશે. પણ એથી જ એ ખેડૂતની જે કરુણ દશા થઈ પડી હતી તે એમને જેટલી ખટકતી હતી તેટલી ભાગ્યે જ કોઈને ખટકતી હોય.

૯૬