પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪ મું
ખામોશીના પાઠ
 


સરદારનું દરેક ભાષણ ચેતવવાના ઉદ્દેશથી જ અપાતું હતું. અકોટીના ભાષણના મહત્ત્વના ફકરા આ રહ્યા :

“આપણી આ લડતમાં આ ધારાસભાના સભ્યોની સ્થિતિ કંઈક પરોણા જેવી છે ખરી, કારણ કે તેઓ જેને બંધારણપૂર્વકની લડત કહે છે તેના ક્ષેત્રમાં બુદ્ધિવાન ખેલ ખેલે છે. તેવી લડાઈમાં મને રસ નથી. મને તેમાં સમજ પડતી નથી. મને તો કોઠાવિદ્યામાં ગમ પડે છે. પારકી શેતરંજ, જેમાં પેદાંઓ તેના માલિકની મરજી પ્રમાણે ચલાવવાનાં હોય છે, એવા માયાવી દાવમાં પાસા નાંખવા એ મને અગમ્ય લાગે છે. જે લડત આપણે લડી રહ્યા છીએ તે બીજાને આકરી વસમી વસ્તુ લાગતી હશે, પણ મને તેવી નથી લાગતી, મને તો એમની બંધારણપૂર્વકની લડત જોઈને ભારે વિસ્મય થાય છે. કારણ કે તેમાં સરવાળે મીડું આવે છે. આમ તેમનો ને મારો કાર્યપદ્ધતિની બાબતમાં એટલો મતભેદ છે. પણ આ કામમાં અમે પાંચે એકમતના છીએ, કારણ કે આમાં પ્રજાની વાત સત્ય છે. ખરું કહીએ તો તેમણે જ મને આ કામ સોંપ્યું છે, તેમણે જ મને કહ્યું કે અમે તો અમારા બધા જ દાવ ફેંકી જોયા, પણ એકે ચાલ્યો નહિ. માટે હવે તમારું કોઠાયુદ્ધ અજમાવો. મેં એ સ્વીકારી લીધું છે. આપણને એમાં કોઈ નહિ હરાવી જાય. કારણ કે આપણા ગુરુએ જે વિદ્યા શીખવી છે તેમાં હારને સ્થાન નથી. …

આ શું એક લાખ રૂપિયા બચાવવા માટેની લડાઈ છે ? જો વ્યાજબી હોય તો એકના બે લાખ આપીએ. પણ આ તો તમારી અરજી ન સાંભળી, તમારા પ્રતિનિધિઓએ ધારાસભામાં જે જે સંભળાવ્યું તે ન સાંભળ્યું, અને મારા જેવા જે સરકારને કોઈ દિવસ લખે જ નહિ તેનું પણ ન સાંભળ્યું ! જો આજે ૨૨ ટકાનો વધારો સાચો છે એમ મને લાગત તો બીજા બધા ના કહેત તોપણ હું કહેત કે ભરી દો. ખેડા જિલ્લામાં રેલ આવી ને લોકોને માથે મહા દુઃખ આવી પડ્યું ત્યારે બહારથી લોકોને ખૂબ મદદ આવી. સરકારે પણ બન્યું તેટલું કર્યું. એ બધાના પરિણામે ખેડૂતો પોતાનો પાક ઊભો કરી શક્ચા હતા. પછી જ્યારે હપ્તાનો વખત આવ્યો ત્યારે મને કેટલાક એવી સૂચના કરવા લાગ્યા કે આવી આફતને કારણે ઓણસાલ જમીનમહેસૂલ માફ થાય તો સારું. મેં કહ્યું કે ના. જ્યાં હું જોઉં છું કે સરકાર પોતાનું બનતું કરે છે, દોષ રહેતો હોય તો તે સરકારની ખોટી દાનતનો નથી, પણ સ્થાનિક અમલદારોનો જ છે, કે જેઓ ઉદારતાનાં કામ કરવાને ટેવાયેલા નથી ત્યાં એવી વાત થાય જ કેમ ? તેથી મેં તે વખતે તમામ ખેડૂતોને કહ્યું કે તમારા ખેતરમાં

૧૦૩