પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


માટે જમા કરવાને બદલે મહેસૂલમાં જમા કરી દે. પૂણીના એક દુકાનદારે તાડીને માટે ૧૭૫ રૂપિયા ભરવાને આપ્યા તેમાંથી ૪૨ રૂપિયા મહેસૂલ માટે કાપી લેવામાં આવ્યા. એમ જ એક અફીણવાળાનું બન્યું ! આ રૂપિયા લઈ લેવા એ ઉચાપત કરવાનો ગુનો ન કહેવાય તો બીજું શું ?

બીજા ગુનાઓમાં ગમે ત્યાંથી, ગમે ત્યારે, કશી ચોકસી વિના, માલિક કોણ છે તેની તપાસ વિના, પોલીસ અને પઠાણની મદદથી પેલા જપ્તીઅમલદારો ઢોરો ઉપાડવા લાગ્યા. શિકેર ગામમાં ૫૮ ઢોરો પકડવામાં આવ્યાં, અને થાણા ઉપર જાહેરનામું લગાડવામાં આવ્યું : ‘શિકેરના રામા ગોવિંદ અને બીજાઓનાં પ૮ ઢોરો મહેસૂલ ન ભરવા માટે જપ્ત કરવામાં આવ્યાં છે.’ આમાં એક બિનખાતેદારની વિયાવાની ભેંસ હતી. તેણે તે ભેંસની માગણી કરી. મહાલકરીએ તેને દમ ભરાવ્યો, ભેંસને ખવડાવવાના ખર્ચની માગણી કરી, પણ પેલાએ ‘ધેાળી ટોપીવાળા’ની ધમકી બતાવી એટલે કહ્યું, ‘વારુ, વારુ, લઈ જાઓ તમારી ભેંસ !’

આમ ઢગલો ઢોર પકડાવા લાગ્યાં છે, પણ તેની માવજત કોણ કરે ? તેને વેળેવેળે પાણી કોણ પાય ? પઠાણોને એ કામ માટે ભાડે રાખવામાં આવ્યા હતા. બારડોલીમાં પકડાયેલી એક ભેંસ બિચારી બરાડા પાડતી થાણામાં મરી ગઈ. આમ ઉચાપત અને ઢોરચોરીની સાથે એક ભેંસને સ્વધામ પહોંચાડવાનું પાપ પણ અમલદારોએ સરકારને કપાળે ચોંટાડ્યું.

ત્રીજી બાજુએથી ખાલસાની નોટિસોના ઢગલા. વાલોડના જે વીરોને નોટિસ મળી હતી તેમની જમીન સરકાર દફ્તરે ચડી ગયાના હુકમ નીકળ્યા. આથી દુઃખી થવાને બદલે એક સજ્જને ખાલસાનો ઉત્સવ ઊજવ્યો. વાણિયા ન દબાયા એટલે મુસલમાનોને દાબી જોવા માંડ્યા. બારડોલીના ઈબ્રાહીમ પટેલને ખાલસા નોટિસનું પહેલું માન મળ્યું. હજારો રૂપિયાની જમીન હરાજ થઈ જશે એમ એ જાણતા હતા છતાં એમના પેટનું પાણી હાલ્યું નહિ.

૧૧૨