પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 જગ્યા લેવાનું કહ્યું. ડા. સુમંતે શ્રીમતી શારદાબહેન સાથે સરભોણનું થાણું સંભાળી લીધું.

ભાઈ રામદાસ ગાંધી, શ્રી. જેઠાલાલ રામજી, સરદારનાં પુત્રી કુમારી મણિબહેન અને બીજા ઘણા સ્વયંસેવકો આ અરસામાં આવી પહોંચ્યાં.

સરકારે હવે શરમ છોડી. જપ્તીની અનેક રીતો અજમાવી. ખાલસાની સેંકડો નોટિસો કાઢી, નિશાચરોની જેમ રાત્રે જેની તેની ભેંસો ભગાડી, પંચનામાં કર્યા વિના જપ્તીઓ કરી, સાચાં લિલામ કર્યા વિના સેંકડોના માલ પાણીને મૂલે વેચ્યા, છતાં સરકારનો ડર ઓછો થતો નહોતો. આ બધું કર્યું છે તેની વ્યર્થતા તેમની હાંસી કરતી હતી. એટલે હવે સરકારે મનાઈહુકમો કાઢ્યા, એક કલેક્ટર મારફત અને એક ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ મારફત. બંને હુકમ ૬ મહિનાની મુદતના હતા. પહેલો હુકમ ‘ભાડૂતી વાહનો અને બળદગાડાં હાંકનારને’ સમજાવનારને, ‘સરકારી નોકરને અથવા બીજાને ત્રાસ કરનાર અથવા ત્રાસ આપવા ભેગા થનાર’ ને ગુનેગાર ઠરાવનારો, અને બીજો ‘જાહેર રસ્તા નજીક અથવા મોહોલ્લામાં અથવા જાહેર જગ્યામાં’ ઢોલ વગેરે વગાડવાનો ગુનો ઠરાવનારો. આ બંધીહુકમો સરકારનું બળ કે કુશળતા બતાવનારા નહિ, પણ સરકારે બંનેનું દેવાળું કાઢ્યું છે એમ બતાવનારા હતા. એ હુકમ કાઢવાનું બહાનું ‘જાહેર સલામતી અને સગવડ’ જણાવવામાં આવ્યું. પણ એનો ઉદ્દેશ ત્રાસ આપવા સિવાય બીજો જણાતો નહોતો. તેમને વેઠિયા મળતા નથી, ગાડાંવાળા મળતા નથી, તેમનો લૂંટેલો માલ ખરીદનારા મળતા નથી, અને જે તેમના હાથમાં આવી શકે એવા પણ હાથમાંથી જવાનો ભય લાગે છે, એટલે તેમણે પોતાની ચીડ મનાઈહુકમમાં ઠાલવી, નહિ તો જુવાનિયાઓ અને બાળકો ઢોલ વગાડે એ દુનિયામાં કોઈ ઠેકાણે ગુનો જાણ્યો છે ? તોપ, બંદૂક અને દારૂગોળાનો દમામ રાખનારી સરકાર ઢોલનગારાંથી ડરી ગઈ એમ કહીને સરકારને વગોવવાની સરદારને એક વધારે તક મળી. એવી વસ્તુને

૧૧૬