પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 સ્ટેશનથી ઉતરી નવસારી શહેરમાંથી ખરે બપેારે ચાલતો જતો હતો; મારા ખભા ઉપર ખાદીની થેલી હતી. એક પારસીને લાગ્યું કે નક્કી આ કોઈ પત્રિકા વહેંચનારો હશે, એટલે મારી પાછળ દોડ્યા, અને કહે: ‘ભાઈ, બારડોલી પત્રિકા આપતા જાઓની !’”

આમ પ્રકાશનખાતામાંથી નીકળતી પત્રિકાએ ગુજરાતને ખૂણેખૂણે બારડોલી તાલુકાને ગવાતો કરી મૂક્યો હતો.

પણ સરદારને બારડોલીના મુદ્દાની હદ વધારવી નહોતી. શ્રી. રાજગોપાલાચાર્ય અને ગંગાધરરાવ દેશપાંડે આ અરસામાં અમદાવાદ આવ્યા હતા. તેમને બારડોલી આવવાનું બહુ મન હતું, પણ ગાંધીજીએ તેમને રોક્યા અને સરદાર બહુ રાજી થયા. શ્રી. રાજગોપાલાચાર્ય તામિલ પ્રાંતના નેતા, ગંગાધરરાવ કર્ણાટકના નેતા, બંને આવે, બંને ભાષણો આપે અને બારડોલીની લડતનું ક્ષેત્ર વધે એ ગાંધીજીને કે સરદારને ગમતું નહોતું. મગનલાલ ગાંધી ગુજરી ગયા, ‘આશ્રમના પ્રાણ’ ગયા એમ વલ્લભભાઈએ લખ્યું, વલ્લભભાઈનું અંતર વીંધાયું અને આશ્રમમાં જઈ આવવાનું તેમને મન થયું. ગાંધીજીએ લખ્યું : ‘મગનલાલની ખોટ પુરાય એમ નથી, પણ તમે ન આવતા. તમારાથી આજે બારડોલી ન છોડાય. મારી હાજરી તમારા ખીસામાં સમજજો.’ ગાંધીજી બારડોલી આવે એ કોને ન ગમે ? પણ ગાંધીજી આવે તો બારડોલીની વધારે પડતી પ્રસિદ્ધિ થાય અને નાહકના ઢગલો માણસો બારડોલીમાં આવે એ સરદાર નહોતા ઈચ્છતા.

પણ સરદાર ઈચ્છે કે ન ઈચ્છે, બારડોલી તો જગબત્રિશીએ ચડ્યું હતું. કમિશનરના કાગળમાં ‘લોકોના ઉપર જીવનારા અને તેમને આડે રસ્તે દોરવનારા ખેડાના ચળવળિયાઓનાં ધાડાં’ તરીકે સરદાર અને તેમના સાથીઓનું થયેલું વર્ણન આખા દેશને માથાના ઝાટકા જેવું લાગ્યું હતું. મહાસભાની કાર્યવાહક સભા મુંબઈમાં મળી તેણે બારડોલીને વિષે ખાસ ઠરાવ કર્યો, એ ઠરાવથી બારડોલીના સત્યાગ્રહીઓ દેશમાં ગાજી રહ્યા :

‘બારડોલી તાલુકામાં થયેલો મહેસૂલવધારો અન્યાય છે અને ખોટા અને અયોગ્ય આધારો પર સૂચવાયેલો છે તેથી તે વધારા વિષે તપાસ

૧૪૬