પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


સખત ઝાટકણી હતી. ગવર્નર બેત્રણ પ્રસંગે સ્વતંત્રતાથી વચ્ચે પડ્યા હતા તેવી રીતે આ ભયંકર અન્યાયની બાબતમાં વચ્ચે પડે એવી યુક્તિયુકત સૂચના હતી, અને ૧રમી જૂનનો દિવસ આખા દેશમાં ‘બારડોલી દિન’ તરીકે ઊજવવામાં આવે એવી દરખાસ્ત હતી. સરકારનું અનેકવાર ખોલવામાં આવેલું પોકળ શ્રી. જયરામદાસે પોતાની રીતે વધારે પોકળ કરી બતાવ્યું હતું, અને ગયા માર્ચના ધારાસભાનો ‘વોટ’ જેને સરકાર ડૂબતાના તરણાની જેમ પકડી રહી હતી તેનું મિથ્યાત્વ સરસ રીતે સિદ્ધ કર્યું હતું “સરકાર શા સારુ ઉઘાડું કહી નથી દેતી કે અમે નર્યા પશુબળ ઉપર અને સત્તાના જોર ઉપર ખડા છીએ ? જે વસ્તુનો નીતિની દૃષ્ટિએ કશો બચાવ ન થઈ શકે તેનો જૂઠાણાંવાળી અને ભ્રામક દલીલોથી બચાવ કરવામાં શું હાંસલ છે ? ” પઠાણરાજની ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું, “ધોળે દહાડે પઠાણે ચોરી કર્યાના બનાવ પછી એક દિવસ પણ તેમને બારડોલી તાલુકામાં રાખવા એ આ સરકારને માટે અત્યંત શરમભરેલું છે.” બારડોલીમાં ચાલી રહેલા સિતમોનું અને તાલુકાની ભવ્ય શાંતિનું વર્ણન આપી તેમણે જણાવેલું : ‘‘સરકારી ચશ્માં ઉતારી તાલુકાના કોઈ પણ ગામડામાં ફરી આવો. બારડોલીનાં ખેડૂતો, સ્ત્રીઓ, બાળકો સૌ કોઈ આ આગેવાનો અને પ્રજાસેવકો ઉપર કેટલાં મરી ફીટે છે. મુંબઈ સરકારની જુલમ નીતિનો કાળો ડાઘ જેમ તેના તંત્રમાં કાયમ રહેવાનો છે તેમ તેના જવાબદાર વડા અમલદારોની પ્રજાસેવકો પ્રત્યેની ઉદ્ધતાઈનું આ ન ધોવાય એવું કલંક પણ તેની તવારીખમાં કાયમ રહેશે.”

આ પછી શ્રી વલ્લભભાઈને બોલવાની વિનંતિ કરવામાં આવી. કેટલોય સમય સુધી એમને વધાવનારા હર્ષધ્વનિ મંડપને ગજાવી રહ્યા, અને તેમણે બોલવા માંડ્યું એટલે શાંતિ છવાઈ. મંડપના ખૂણેખૂણામાં તેમને અવાજ પહોંચતો હતો. લોકો બીજું કાંઈ નહિ તો વલ્લભભાઈનું તે દિવસનું ભાષણ સાંભળીને જ પેાતાને કૃત્યકૃત્ય માનવા લાગ્યા — એટલું તે

ભાષણમાં તેજ હતું, એટલી વીરતા હતી, એટલું સત્યનું બળ

૧૫૨