પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


લોકો દારૂ પીવાનો શોખ વધારતા જાય છે એ વાતને સબળ કારણ માને છે ! જમીનમહેસૂલ વધારવું જ છે તેને બહાનાંની શી ખોટ ? તેં નથી બગાડ્યું તો તારા બાપે, નહિ તો તારા બાપના બાપે !

ઉપર જોઈ ગયા કે આ ઉચાપતનીતિની સામે દાદફરિયાદ શી રીતે હોય ? ૧૮૭૩ માં સરકારી અમલદારે કરેલી મહેસૂલઆકારણીની સામે હાઈકોર્ટમાં એક દાવો મંડાયો હતો, અને હાઈકોર્ટે ફરિયાદીના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આથી સરકારી અમલદારોમાં ખળભળાટ પેદા થયેલો, અને પરિણામે ‘રેવન્યુ જ્યુરિસડિક્શન ઍક્ટ’ પસાર કરવામાં આવ્યો જેથી દીવાની અદાલતોનો જમીનમહેસૂલની બાબતમાં વચ્ચે પડવાનો અધિકાર લઈ લેવામાં આવ્યો, અને સેટલમેંટ અમલદારને ગમે તે મહેસૂલ ઠરાવવાનો પટ્ટો મળ્યો. હિંદુસ્તાન સરકાર કે મુંબઈ સરકાર પણ કશી દાદ દે એવું રહ્યું નથી. શ્રી. ચિંકોડી પોતાના એક અભ્યાસપૂર્ણ લેખમાં કહે છે તેમ, “આ સુધારા તો શાપરૂપ નીવડ્યા છે. દીવાની અદાલતનું કશું ચાલે નહિ; હિંદુસ્તાન સરકારના હક એાછા કરવામાં આવ્યા છે, પોતાનો અંકુશ તે આજના સંજોગોમાં વાપરવા ઇચ્છતી નથી. જમીનમહેસૂલનો પ્રશ્ન પ્રાંતીય છે અને સરકારે ‘રિઝર્વ્ડ’ (અનામત) રાખેલો છે. એટલે એ પ્રશ્નમાં સ્થાનિક સરકાર જ કુલ મુખત્યાર છે.”

સને ૧૯૧૯ ના હિંદુસ્તાનના રાજ્યતંત્રના કાયદા ઉપર વિચાર કરવાને માટે પાર્લામેન્ટે એક જોઈંટ કમિટી નીમી હતી. તેની આગળ જમીનમહેસૂલઆકારણી ઉપર ધારાસભાનો અંકુશ રાખવા માટેનો પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો, અને તે કમિટીએ જમીનમહેસૂલ વધારવાના સંબંધમાં સરકારે કેવું ધોરણ સ્વીકારવું જોઈએ તે વિષે નીચેનાં વચનો પ્રગટ કર્યાં હતાં :

“જ્યારે કંઈ નવો કર નાંખવામાં આવે, ત્યારે તે ધારાસભાની આગળ લાવવાનો શિરસ્તો થવો જોઈએ. ખાસ કરીને જમીનમહેસૂલ એ કેવળ ગણોત છે, કે માત્ર કર છે, એ વિશે કંઈ પણ અભિપ્રાય આપ્યા વિના અમારી સલાહ છે કે જમીનમહેસૂલના આકાર વધારવાની રીત

૧૨