પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૨૪


ન્યાયના ભવાડા

“આ રાજ્યમાંથી ઇન્સાફ મોં સંતાડીને નાસી ગયેલ છે.”

બારડોલીમાં ખાસ નીમવામાં આવેલા રેસિડંટ મૅજિસ્ટ્રેટની પાસે કેવા કેવા કેસ લઈ જવામાં આવતા હતા તે વિષે આગલાં પ્રકરણોમાં પ્રસંગોપાત્ત ઉલ્લેખ થઈ ગયો છે. આ પ્રકરણમાં એ ‘ન્યાયમંદિર’માં ન્યાયને કેવો સીકે ચડાવી દેવામાં આવ્યો હતો, અથવા ન્યાયની કેવી વિડંબના થઈ હતી તે જરા વીગતવાર જોશું. બારડોલીમાં સરકારને બદનામ કરવામાં દરેક અમલદારે પોતપોતાનો ફાળો યથાશક્તિ આપ્યો હતો. એમાં આ ખાસ નીમવામાં આવેલા રેસિડંટ મૅજિસ્ટ્રેટનો ફાળો કોઈનાથી ઓછો તો નહોતો જ, કદાચ વધારે હશે. પણ એમાં એનો દોષ નહોતો. રેવન્યુખાતાનો જ અમલદાર, જેને આ કેસો ચલાવવાની ખાસ લાયકાત તો કશી જ નહોતી, ઊલટી રેવન્યુખાતાના અમલદાર તરીકે એ કેસો ચલાવવાની તેની નાલાયકાત કહીએ તો ચાલે. અને એ બિચારો કરે શું ? ૧૯૧૯ના માર્શલ લૉના દિવસોમાં હાઈકોર્ટ જજના હોદ્દાના માણસોની ન્યાયવૃત્તિને વળ ચડી ગયો હતો તો આ બિચારાનું ગજું શું ? બારડોલીના જેવા ઉશ્કેરાયેલા વાતાવરણમાં બેસીને ન્યાય આપવા બેસવું એ એને માટે દોહ્યલું કામ હતું. મહેસૂલ ન ભરનાર, ન ભરાવા દેનાર અને જપ્તીઅમલદારોની ઊઠવેઠ ફોક કરનાર જે કોઈ તેની સામે આવે તેને હિંદુસ્તાનના ફોજદારી કાયદાની કોઈ પણ કલમ નીચે

૧૯૪