પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


હવે આપણે શિવાનંદ અને અમૃતલાલના મુકદ્દમાના ચુકાદાનો ઈન્સાફ તપાસીએ. એની વીગતો પણ સોળમા પ્રકરણમાં વિસ્તારથી આપવામાં આવી છે. આમાં આરોપનો સાર એટલો જ હતો કે ‘આરોપીએ ફરિયાદી તથા બીજાઓને કહ્યું કે તમે નીચ ભંગી અથવા ઢેડનું કામ કરો છો,’ ‘આરોપી નં. ૨ જો હાથ ઊંચા કરીને ફરિયાદી ઉપર ધસ્યો,’ અને ‘આરોપી નં. ૧ લાએ ફરિયાદીને ધક્કો માર્યો.’

બન્ને આરોપીઓએ તહોમત નાકબૂલ કર્યું. પહેલા આરોપીએ જણાવ્યું કે ફરિયાદીની આખી હકીકત જૂઠી હતી, આરોપી નં. ૨ જો ત્યાં હાજર જ નહોતો તથા ફરિયાદી તથા સાક્ષીઓના કહેવા મુજબ જપ્તીઅમલદાર આ બનાવને સ્થળે હાજર નહોતો, જ્યારે ખરી રીતે બધો વખત તે આખો બનાવ જોયા કરતો હતો એ બધું દર્શાવનારા ફોટોગ્રાફ રજૂ કર્યા. મૅજિસ્ટ્રેટે આ પુરાવાને નિરુપયોગી ગણી કાઢી નાંખ્યો. ન્યાય જ કરવાની તેને કાળજી હોત તો તો ફરિયાદપક્ષના સાક્ષીઓને તે પૂછત કે આ ફોટોગ્રાફ બનાવની હકીકત દર્શાવનારા હતા કે નહિ. તેણે તો કશુંયે પૂછ્યુંગાછ્યું નહિ અને આરોપીઓએ ફરિયાદી તથા બીજાઓને ‘તેઓ નીચ ભંગી અથવા ઢેડનું કામ કરતા હતા’ એમ કહ્યું તે ઉપરથી તેમણે હુમલો કર્યો હતો એ ચુકાદો આપ્યો. વળી આરોપીએ હાથ ઊંચો કર્યો એટલે ફરિયાદી — જે જબરદસ્ત બલૂચ હતો અને જે આરોપીઓને ચપટીમાં મસળી નાંખી શકે એવો હતો — તેને ધક્કો માર્યો એવું પણ ઠરાવ્યું. બન્ને આરોપીઓને ૧૮૩ મી કલમ માટે ત્રણ માસની સખ્ત કેદની અને ૩૫૩ મી કલમ માટે છ માસ સખ્ત કેદની એમ નવ માસની સખ્ત કેદની સજા ફરમાવી.

આ મુકદ્દમામાં પણ આપણે માની લઈએ કે આરોપી સામે થયેલી બધી ફરિયાદ સાબિત થઈ હતી (જોકે એવું કશું સાબિત થયું નહોતું જ), તોપણ હુમલો કર્યાનો આરોપ બેમાંથી કોઈ સામે પુરવાર થતો નથી. વળી એક જ કાર્યમાંથી બે ગુનાઓ થયેલા સાબિત ઠરે તો પીનલ કોડની ૭૧ મી કલમમાં સાફ જણાવ્યા મુજબ ૧૮૩ તથા ૩૫૩ મી કલમો માટે જુદીજુદી સજા થઈ શકે

૧૯૮