પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


જેલમાં ટકી શકશે, પણ સૌનો ભ્રમ ભાંગ્યો, અને પોતાના ગામડામાં પણ કદી બહુ ન બોલનારા એ ભાઈ એ પોતાનું સ્વાગત કરવાને ભેગા થયેલા ભાઈઓને કહ્યું : ‘મારી ભડક ભાંગી ગઈ મારી જીભ પણ ખૂલી ગઈ છે. જેલમાં કશું નથી. ઘેર મહેનત કરવાની અને ત્યાંયે મહેનત કરવાની. મને તો લાભ જ થયો છે, હું તો જેલમાં બીડી છોડી આવ્યો.’

જેલનો ત્રાસ કેટલો હશે તે તો ભાઈ ચિનાઈને અને વાંકાનેરના એક ભાઈને કેવળ જોવાથી જ પ્રતીત થતું હતું. ચિનાઈનું તો વજ્ર જેવું શરીર, પણ તે શરીર ભાંગી પડ્યું. કામ રાક્ષસનું લેવું અને ખોરાક દુકાળિયાનો આપવો એ ન્યાયે આપણી જેલ ચાલે છે. ચિનાઈએ પોતે તો પોતાનું દુઃખ જાહેર ન કર્યું , પણ રવિશંકરભાઈએ બેત્રણ વાક્યોમાં બધું કહી દીધું: ‘ચિનાઈએ તો કમાલ કીધી. એમની પવિત્રતાથી હું ચકિત થઈ ગયો. સવારથી ચક્કી શરૂ કરે તે ઘણીવાર સાંજના રોટલા વખત સુધી ચાલતી હોય ત્યારે માંડ પૂરા ૩૭ શેર થાય, થાક્યાપાક્યા પડે એટલે રોટલા ખાવાના હોય, અને પાણીમાં અગાઉથી ભીંજવી રાખેલા કોબી કે એવા જ કશાના પાકા, આંગળી જેટલા જાડા, ડીટાનું શાક હોય. પણ ચિનાઈએ કદી ફરિયાદ નથી કરી, પોતાનું કામ કદી કોઈની પાસે નથી કરાવ્યું.’

આ શાક અને રોટલા અને માંદાની માવજતના સંપૂર્ણ અભાવને લીધે વિદ્યાપીઠનો એક વિદ્યાર્થી ભાઈ દિનકર મહેતા તો જેલમાંથી ઝેરી તાવ લઈને નીકળ્યો. હજી અમદાવાદની ઇસ્પિતાલમાં પડ્યો છે, અને બચે તો તેનાં સગાંવહાલાં અને મિત્રોના નસીબે બચે એવી સ્થિતિ છે.* [૧]

જેલ નથી લાગી રવિશંકરભાઈને. તેમનું મધુરું હાસ્ય જેલમાં જઈ આવ્યાથી જરાય ઝાંખું નથી થયું. એમનું શરીર વજ્ર જેવું હશે કે તે શરીરમાં રહેલું સંકલ્પબળ વજ્ર જેવું હશે, તેમના


  1. *અહીં સહર્ષ એ જણાવવું જોઈએ કે ભાઈ દિનકર હવે તદ્દન સાજા થઈ ગયા છે. —પ્રકાશક
૨૭૦