પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમૃતવાણી
 


સફાઈ અને દુરસ્તી

બારડોલી ગામના રસ્તા જુઓ. અહીં રહેનાર સ્વયંસેવકોને સારુ એને સાફ કરવા એ એક દિવસનું કામ છે. તે પછી તો હમેશાં અડધો કલાક વખત આપી લોકોને શીખવે તોયે બસ થાય. તમે પૂછશો કે એને ને સ્વરાજને શો સંબંધ ? હું કહું છું કે બહુ નિકટનો સંબંધ છે. અંગ્રેજ સાથે લડીને જ સ્વરાજ નથી આવવાનું. જ્યાં આપણી સ્વતંત્રતામાં દખલ કરે ત્યાં લડીએ. પણ શું આપણે જંગલી માણસોના જેવું સ્વરાજ જોઈએ છે કે અંગ્રેજો જાય ત્યારપછી ગમેતેમ રહીએ ? ગમે ત્યાં ગંદકી કરીએ? કાલે જ અમે વાલોડથી બારડોલી મોટરમાં આવ્યા. એવા રસ્તામાં મારા જેવો નબળો માણસ તો થાકી જ જાય, તેમાં કોનો વાંક ? તેમાં સરકારનો જ વાંક કાઢવો ન જોઈએ. આપણો પણ વાંક તેમાં રહેલો છે. ગુજરાતના જેવી ચંપારણ્યમાં પણ સ્થિતિ હતી અને ત્યાં સ્વયંસેવકોએ રસ્તા દુરસ્ત કર્યા હતા. હું એમ નથી સૂચવવા ઇચ્છતો કે કાલે અમારે જવું હતું તેથી રસ્તાની ફરિયાદ કરું છું, પણ રસ્તાને હમેશાં આપણે જ સારા રાખતા થવું જોઈએ. એ કરવાની ફરજ ભલે સરકારની હશે, પણ આપણે જો એટલી સેવા કરીએ તો સરકાર કાંઈ ના નહિ જ પાડે.

છાવણીઓએ આરોગ્યના નિયમનો કેટલે અંશે પ્રચાર કર્યો છે ? આમાં તો છૂતઅછૂતનો પ્રશ્ન નથીને ? આ તો એ પ્રશ્ન છે કે આપણી દિલસોજી જે લોકો સાથે આપણે રહીએ છીએ તેમની સાથે કેટલી છે ? જો પોતાની આસપાસનું જ આંગણું સારું રાખવાથી આપણે સંતોષ માની લઈએ તો સ્વરાજ ન લઈ શકીએ. જ્યારે લોક તરફથી આટલો સહકાર ને અનુકૂળતા છે તો આ તાલુકાની જમીનને સુવર્ણભૂમિ કરી શકાય. અહીંની કાળી માટી તે સુવર્ણ જેવી છે જ. જો તેના રસ્તાઓ સાફ રાખીએ તો વીંછી, સાપ, વગેરેની જે ફરિયાદો રહે છે તે પણ ગામડાંમાંથી કાયમની ટળે. હું તમને મનાવવા ઇચ્છું છું કે આ કામ સ્વરાજનું જ અંગ છે.

મદ્યપાન નિષેધ

તેટલી જ દારૂના પ્રશ્નને લેવાની આપણી ફરજ છે. એમાં સરકાર શું મદદ કરી શકે ? તે તો બહુ તો પીઠાંના ઇજારા ન આપે. પણ લોકને પીવાની આદત પડી છે તેને સરકાર કેમ સુધારી શકે ? જે દિવસે ૨૫ કરોડની ઊપજ બંધ કરવાની શક્તિ સરકાર બતાવવા તૈયાર થશે તે દિવસે પણ લોક પાસે મદ્ય છોડાવવા ફૂલચંદભાઈની ભજનમંડળીને જ જવું પડશે. લોકના ઘા એ રીતે માથા ઉપર ઝીલવા તૈયાર થશો ? હિંદુ અને મુસલમાન

એકબીજાનાં માથાં ફોડતા હોય ત્યાં છાતી પર ગોળી ઝીલવા તમે તૈયાર

૨૮૧