પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


કલ્યાણ થવાનું છે. દેશનું કલ્યાણ નથી મારા હાથમાં કે નથી ગાંધીજીના હાથમાં, તમારા યુવાનોના હાથમાં છે. દરેક દેશમાં સ્વતંત્રતા યુવાનોએ મેળવેલી છે, પચાવેલી છે, અને ભવિષ્યના યુવાનોને આપેલી છે. આ માનપત્રનો અર્થ એ છે કે એ કામ તમને પસંદ છે, તમારું દિલ પલળેલું છે. મારી ઉમેદ છે કે બાકીનું જે મહાભારત કામ રહેલું છે તે આપણે સાથે મળીને કરીએ. હું પ્રભુ પાસે માગું છું કે તમે જે અતિશયોક્તિભર્યા શબ્દો મારે માટે વાપર્યા છે તેને માટે તે મને યોગ્ય બનાવે, અને તમે પોતાને માટે જે ઉમેદો બાંધી છે તે બર લાવવાની તમને શક્તિ આપે. પ્રભુ તમારું કલ્યાણ કરે.

સત્યાગ્રહનું રહસ્ય પચાવો

આખી ઉજવણીના ઉપસંહાર તરીકે ગાંધીજીનું અમદાવાદનું ટૂંકું અને ટચ ભાષણ સમુચિત છે:

આજના મેળાવડાની અંદર ન મને આવવાની આવશ્યકતા હોય, ન મને એકે શબ્દ બોલવાનું પ્રયોજન હોય. વલ્લભભાઈને માનપત્ર અપાય અને એમાં મારા જેવાની હાજરી હોય અને મને બોલવાનું કહેવામાં આવે એનો અર્થ એ કે અમે બંને ભેળા થઈને તમારી હાજરીમાં અને તમારી સંમતિથી એક પરસ્પર સ્તુતિકારક મંડળ બનાવીએ અને તેના અમે બે જણા સભાસદ બનીએ. એ અમદાવાદના ચતુર શહેરીઓએ ઘડીભર પણ સહન ન કરવું જોઈએ.

વલ્લભભાઈ નામે અને સાખે પટેલ છે. બારડોલીનો વિજય મેળવીને એમણે પટેલની સાખ કાયમ રાખી. જે માલધણી પોતાની સાખ કાયમ રાખે તેને કોઈ માનપત્ર આપે એવું જાણ્યું સાંભળ્યું નથી. મંગળદાસ શેઠ પોતાને ત્યાં આવતી બધી હૂંડીઓ સ્વીકારે તે માટે આપણે તેમને કેટલાં માનપત્ર આપ્યાં? અને હૂંડી ન સ્વીકારે તો તમે શું કરો તે નથી જાણતો.

તમે જો વિજયને માટે ધન્યવાદ લેવા માગો કે આપવા માગો તો વિજયનું ખરું રહસ્ય સમજો, અને સમજીને અનુકરણ કરો. ખરી રીતે કહું તો તમારાથી જેટલું હજમ થઈ શકે તેટલું પચાવો. પણ અનુકરણમાં જ સફળતા નથી રહેલી, અને અક્ષરશ: અનુકરણ સહેલું પણ નથી હોતું. પ્રસંગપ્રસંગમાં સામ્ય ભલે દેખાય, પણ જેમ મનુષ્યમનુષ્યમાં વ્યકિતત્વ રહેલું છે તેમ પ્રસંગોમાં પણ પોતપોતાનું વ્યક્તિત્વ રહેલું છે. એટલે જે માણસ સત્યાગ્રહના પ્રસંગોને સમજી, સિદ્ધાન્તનું રહસ્ય સમજી, તેને પચાવે, તેનો અનુવાદ કરી તેને વર્તનમાં ઉતારે તે જ સફળતા મેળવે.

૨૯૪