પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ થું
ગૂંચઉકેલ ?
 


ગણોતના આંકડા જ સારી પેઠે ઘટાડો સૂચવનારા હતા એટલે નછૂટકે તેમણે બીજા વર્ગમાં જૂજજાજ ઘટાડો અને છેલ્લા વર્ગમાં ૧૩ ટકા ઘટાડો સૂચવ્યો. કમિટી કહે છે : “જરાયત અને ક્યારીની જમીન ઉપર પડતા દરમાં બરાબર પ્રમાણ જળવાતું નથી એટલે ક્યારી ઉપરનો બોજો થોડો જરાયત ઉપર નાંખીએ તો યોગ્ય થશે.” આ બોજો ઉતારવા સારુ જરાયત ઉપર નાંખવો જોઈએ એનું શું કારણ ? પણ એ બોજો કેવી રીતે ઊતર્યો તે આ આંકડા બતાવશે : ક્યારીની જમીન ઉપર કુલ રૂ. ૩,૮૩૪ મહેસૂલ ઓછું કરીને કમિટીએ જરાયત જમીન ઉપર રૂ. ૩૪,૮૫૩ વધાર્યું છે !

પણ વધારે નહિ તો શું કરે ? સિવિલ સર્વિસના અમલદારોનો એક સિદ્ધાંત એવો લાગે છે કે મહેસૂલ બહુ ઓછું કરીએ તો કરજાઉપણું વધે છે ! ફર્નાન્ડીઝ નામનો અગાઉનો એક સેટલમેંટ ઑફિસર એવા જ ઉદ્‌ગાર કાઢી ગયો છે. તે ઉદ્‌ગારો આ અમલદારો ટાંકે છે, અને કહે છે કે દરના અમુક ધોરણથી ઊતરીએ તો લોકોના કરજનો બોજો ઊતરવાનો નથી એ વિષે શંકા નથી. તો શા સારુ લેતા આવ્યા તે ન લેવું, અથવા ચાર આના વધારે ન લેવું ?