પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


ત્રીજા વર્ગમાં ૩૫ ગામમાંથી ૧૧ તપાસાયાં, ચારમાં આંકડા નજીવા હતા. બાકીનાં સાતમાંથી એકમાં જ ગણોત વધારે અને મહેસૂલ ઓછું દેખાતું હતું. ઉવા ગામમાં તો જૂનું મહેસૂલ જ ગણોતના ૩૫ ટકા જેટલું છે. છતાં ઉવા અને બીજા કેટલાંક ગામોમાં ‘જરાયત જમીન ઉપર થોડો વધાતો થઈ શકે’ એમ કમિટીને લાગ્યું. ‘થોડો’ એટલે સેંકડે ૧૮ ટકા ! આમાંનાં કેટલાંક ગામો ચોથા વર્ગમાં ઉતારવામાં આવ્યાં, પણ ઊતરીને દર તેમનો હતો તેટલો ને તેટલો જ રહ્યો.

ચોથા વર્ગના ગામમાં ૩૦ માંથી ૧૦ તપાસાયાં. ચારમાં આંકડા નજીવા હતા. બાકીનાં છમાંથી એક જ ગામમાં ગણોત વધારે છે, અને બે ગામમાં તો ‘શાહુકારોને લીધે જ ગણોતનો દર વધારે દેખાય છે’ એમ કમિટી કબૂલ કરે છે. છતાં, ‘આખા વર્ગના આંકડા લઈ એ તો દર બહુ ભારે નથી દેખાતા.’ માટે, તે ભારે દેખાય એવા કરવા જોઈએ ? ૩૦માંથી ૨૭ ગામને માટે તો પાંચમો વર્ગ બનાવવો જોઈએ એમ કમિટીને લાગ્યું, કારણ ‘એમાંનાં કેટલાંક તો આખા તાલુકા અને મહાલમાં ગરીબમાં ગરીબ છે’ (આ કમિટીના જ શબ્દો છે). છતાં નવા વર્ગમાં ઊતર્યાથી પણ તેમનો જૂનો દર ૩ રૂપિયા હતો તેના ૩ા રૂપિયા થયો ! અને જે ત્રણ ગામ જૂના ચોથા વર્ગમાં રહ્યાં તે ત્રણ ગામને તો ૩ રૂપિયાને બદલે ૩ાાા ભરવાના ઠર્યા, એટલે ૨૫ ટકા વધારો થયો. જયકર અને ઍંડર્સનના સપાટામાં પણ આ ગરીબ ગામને આવો ફટકો નહોતો લાગ્યો ! અને આ ગામો તે કયાં ? દેગામા, અંબાચ અને વેડછી ― ત્રણેમાં રાનીપરજની જ મોટે ભાગે વસ્તી, અને છેલ્લાં બે ગામમાં તો ‘આશ્રમના લોકો જે પ્રગતિનું કામ કરી રહ્યા છે તેમાંથી લાભ થવાનો ચોખ્ખો સંભવ દેખાય છે’ એમ કમિટી કહે છે. લાભ થવાનો સંભવ દેખાય છે માટે જ કદાચ એમને ૩૩ ટકાનો દંડ દીધો હશે !

ક્યારીની જમીનનાં ગણોત તો બધે જ વધારે હતાં, એટલે ત્યાં મહેસૂલ વધારવાની તો વાત જ બોલી શકાય એમ ન મળે.

૩૪૦