પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


પણ હવે ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ દ્વારા પ્રસંગેપ્રસંગે તેઓ માર્ગદર્શન કરવા લાગ્યા, અને ઉત્તેજન આપવા લાગ્યા. આ લડતમાં ગાંધીજીએ આપેલો હિસ્સો દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા શ્રી. શ્રીનિવાસ શાસ્ત્રી સમજી શક્યા હતા, અને તેનું વર્ણન સત્યાગ્રહના વિજય પછી તેમણે જેવું આપ્યું છે તેવું કોઈએ નથી આપ્યું : ‘ભગવાન સંસારચક્ર ચલાવી અળગો રહે છે, કોઈ જાણતું નથી કે એ ચક્ર ભગવાન વડે ચાલે છે. પણ તે ન હોય તો ચક્ર બંધ થાય. તેમ જ તમે અદૃશ્ય રહીને, અલિપ્ત રહીને, આ લડતને દોરી છે.’ શ્રી. વલ્લભભાઈ અને સરકારની વચ્ચે ચાલેલો પત્રવ્યવહાર જે ‘નવજીવન’ના અંકમાં આખો પ્રગટ થયો તે જ ‘નવજીવન’ના અંકમાં ગાંધીજીએ સત્યાગ્રહની લડતને જાહેર આશીર્વાદ આપ્યા અને સરકારની પણ આંખો ઉઘાડી એ લેખ અક્ષરશઃ અહીં ઉતારું છું :

“આ અંકમાં વાચક સરકાર અને શ્રી. વલ્લભભાઈની વચ્ચેનો પત્રવ્યવહાર જોશે. આ પત્રવ્યવહાર એક દૃષ્ટિએ દુઃખદ પ્રકરણ છે. હું જ્યાં સુધી જોઈ શકું છું ત્યાં સુધી તો શ્રી. વલ્લભભાઈએ રજૂ કરેલી હકીકતો કે તેની ઉપર રચેલી દલીલોમાં ક્યાંયે ઉણપ નથી. સરકારના ઉત્તરમાં ચાલાકી, ઉડાઉજવાબી અને તોછડાઈ છે. આમ અમલ માણસને આંધળો બનાવે છે, ને તેના અભિમાનમાં તે મનુષ્યત્વ ખોઈ ભાન ભૂલી જાય છે, એ દુઃખદ પ્રકરણ છે. માણસની આવી ભૂલોનાં હજારો પ્રકરણો અનુભવવામાં આવે, તો પણ દરેક નવા પ્રકરણ વેળા તેનું દુઃખ તો લાગશે જ. કેમકે પોતે દોષ કરતો છતો મનુષ્ય ઊંડે ઊંડે સારું જ ચાહનારો છે તેથી બીજાનાં ઉદ્ધતાઈ, અવિવેક, ઇત્યાદિથી દુઃખ જ પામશે.

હું હકીકત અને દલીલોના ગુણોમાં નહિ ઊતરું. વાંચનારની આગળ ગુણદોષો તપાસવા વિચારવા પૂરતું સાહિત્ય ન હોય; હોય તો તે વાંચવા વિચારવા પૂરતી તેને ધીરજ ન હોય, પણ કેવળ ન્યાયને માર્ગે જ જનાર તટસ્થ વાંચનારને પણ વલ્લભભાઈની માગણી વાજબી જણાયા વિના નહિ રહે. વલ્લભભાઈ નથી કહેતા : ‘મારી દલીલ સરકારે કબૂલ રાખવી જ જોઈએ.’ તે તો કહે છે : ‘સરકારનો એક પક્ષ, લોકોનો બીજો પક્ષ છે. બન્નેની વચ્ચે હકીકત વિષે જ મતભેદ છે. આ મતભેદનો નિવેડો કરનાર એક તટસ્થ પંચ હોવું જોઈએ. તે જે ચુકાદો આપે તે લોકો વતી વલ્લભભાઈ કબૂલ રાખશે.’

૫૬