પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


સાત ગૃહસ્થો શેઠ ઘેલાભાઈ, શેઠ ગુલાબદાસ, શેઠ ભૂખણદાસ, ડાહ્યાભાઈ, દામોદરદાસ, ચુનીલાલ અને સોની ચુનીલાલ અને ગં. સ્વ. ઇચ્છાબહેન ઉપર એવી જ ખાલસા નોટિસો કાઢવામાં આવી. આથી જરાય ડગ્યા વિના શેઠ વીરચંદે મહાલકરીને એક વીર કાગળ લખ્યો જેમાં તેણે જણાવ્યું :

“આવી નોટિસ આપવાને આપ સાહેબે આખા મહાલમાં મને પ્રથમ પસંદ કર્યો તે ઉપરથી એમ માનવાને કારણ રહે છે કે આખા મહાલની અંદર મને આપ છેક જ નબળામાં નબળો સમજો છો. આવું માનવાને મેં આપને શું કારણ આપ્યું હશે એ મારા ખ્યાલમાં આવતું નથી. પરંતુ મારે આપને જણાવવું જોઈએ કે આખો તાલુકો ખાલસા થાય તોપણ જે અન્યાયી વધારો કરવામાં આવ્યો છે તે રદ ન થાય અથવા તો તેની યોગ્ય તપાસ ફરીથી ન થાય ત્યાં સુધી તાલુકામાં હવે કોઈ પૈસા ભરનાર નથી અને હું પણ ભરવાનો નથી.

આપ જો સરકારના સાચા વફાદાર નોકર હો તો આપનો ધર્મ છે કે તાલુકાની ખરી સ્થિતિથી આપે સરકારને વાકેફ કરવી જોઈએ, અને પ્રજાને જે અન્યાય થયો છે તે દૂર કરાવી ન્યાય મેળવવામાં પ્રજાને મદદ કરવી જોઈએ. જે તાલુકાનું કેટલાંયે વરસ સુધી આપે લૂણ ખાધેલું છે તે તાલુકાની પ્રજા ઉપર નોકરીની આખર વેળાએ આપને પ્રજાને રંજાડવાનો પ્રસંગ આવી પડ્યો છે તેમાંથી આપે કોઈ પણ રીતે ઊગરી જવું જોઈએ એવી મારી આપને નમ્ર વિનંતિ છે.

ચાકરીની આખર વખતે ખાતેદારોની જમીન ખાલસા કરવાની આપને સત્તા આપવામાં આવી હોય અને તે પ્રમાણે જો આપે આ નોટિસમાં સહી કરી તે મારે બારણે ચોડાવી હોય અને હવે પછી ખેડૂતોની જમીન ખાલસા કરવાનું કામ આપને હાથે થવાનું હોય તો એવી નોકરીમાંથી છૂટા થઈ જવું એ શોભાભરેલું છે. આપની નોકરીના ટૂંકા દિવસ બાકી રહેલા છે. અને એટલી રજા આપની સરકારમાં ચડી હશે. આપના હિતેચ્છુ તરીકે હું આપને સલાહ આપું છું કે આપના હાથની નોટિસો આપના તાલુકાની રૈયતને મળે તે કરતાં આપ નોકરીમાંથી છૂટા થઈ જશો તો વળતી વેળાએ આબરૂ સચવાશે.”

વાલોડના પેલા સાત સજ્જનોએ શ્રી. વલ્લભભાઈને કાગળ લખીને ખાતરી આપી : “જે પ્રમાણે નોટિસ અને જપ્તીના મારાની પહેલી શરૂઆત અમારા ગામ ઉપર કરવામાં આવેલી હતી, પરંતુ

૮૦