પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪

નરવીર લાલાજી


કવચિત દાઝે, તો તેથી શું થઈ ગયું ? રાજસત્તાનાં કૃત્યો પર ટીકા કરવી એ અગ્નિ સાથે રમત રમવા બરોબર છે. મને બીજી કશી ફિકર નથી. માત્ર આપના ઉપર પાછળથી આવી પડનારી મુસીબતોની ચિંતા છે. માટે મને ખાત્રી આપો કે મારી ગિરફતારીથી આપ ગભરાશો નહિ. હંસરાજ, ગુરૂદાસ અને અમોલખરામ જેવા કેદમાં ગયા છે, તો હું બચાડો શી ગણતરીમાં ! ગમે તે થાઓ, પણ કાયરતા દાખવવાનું આ ટાણું નથી, ઊલટું જે કાંઈ ગુજરે તે મર્દની રીતે સહવાનું છે.....……....મને કશી વ્યાકૂલતા નથી. આપ પણ મારી કશી ચિંતા કરતા નહિ.

લી. આપનો નમ્ર સેવક


લાજપતરાય

 

૩. બીજા પ્રાંતોના નેતાઓને તેમજ વિલાયતના મિત્રોને પંજાબની દમન-નીતિ વિષે વાકેફ કરનારા કાગળો લખ્યા.

૪. તે દિવસ અદાલતમાં તો કશું કામ નહોતું, પરંતુ એક અસીલે અમૂક વ્યવસ્થા કરવા માટે રૂા. ૩પ૦ બે દિવસ ઉપર આપેલા, તેની વ્યવસ્થા કરવા પોતે તૈયાર થયા. મોટરગાડીની વરધી દીધી.

ત્યાં તો બે પોલીસ અમલદાર આવીને ઊભા રહ્યા. 'લાલાજી, આપને કમીશ્નર સાહેબ યાદ કરે છે.'

'શા માટે ?'

'એ ખબર નથી.'