પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩

વીરોનો પણ વીર



લાજપતરાયે આ માગણીને શિર પર ચડાવી. પરંતુ એનું હૃદય રહેતું નહોતું. એણે પાંચ પરહેજ થયેલાઓને કારાગૃહમાં સંદેશો પહોંચાડ્યો કે 'મારી જરૂર પડે ત્યારે તૈયાર જ ઊભો છું. અત્યારે તો નથી આવતો, કેમકે મને ના પાડવામાં આવી છે.'

પોતાના પર ઘેરાતાં વાદળાંની વાતો વધવા લાગી. ૧૮૧૮નો કાળો કાયદો ઉઘાડીને વાંચી જોયો: માથું ધુણાવ્યું: ના, ના, આમાં વર્ણવેલું કૃત્ય મેં કદિ કર્યું જ નથી, મને પકડે જ નહિ. હું એવો કયો મોટો માણસ !

છતાં અફવાઓ વધવા લાગી. કદાચ ગામતરૂ કરવું પડશે એવું માનીને લાલાજીએ તૈયારી કરવા માંડી. અને શી શી તેયારી કરી ?

૧. પત્ની તો બહાદુર છે. એ નહિ મુંઝાય. એ તો બચ્ચાંને હિમ્મતથી ઉછેરશે. એની મને ચિંતા નથી.

૨. પિતાજીનો પ્રેમ અપરંપાર છે: એ ડોસો ઝૂરીઝૂરીને મરશે ! માટે એના પર હિમ્મત દેનારો પત્ર લખી કાઢું:

' વ્હાલા પિતાજી,

મારી ગિરફતારીની અફવાઓ જોરથી ચાલી રહી છે. એ કેટલી પાયાદાર છે તે ખબર નથી. છતાં આપને વિનયપૂર્વક પ્રાર્થના કરૂ છું, કે મારા પર ચાહે તે વિપત્તિ પડે તોયે આપ ગભરાશો નહિ. અગ્નિ સાથે ખેલનારનું મોં