પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫

ધૈર્યનો સાગર


કેદીએ કહ્યું 'મને રૂચીકર હતું તે મેં ખાધું, બાકીનું પાછું મોકલ્યું. મને તમારાથી અમુક જ જાતનો ખોરાક લેવાની ફરજ ન પાડી શકાય. હું કહું છું કે મારે વધુ પ્રમાણમાં તેમજ ફરતું ફરતું શાક જોઈએ છે, તે તમે શા માટે નથી આપતા ?'

'એમ ! આંહી માંડલેમાં જે શાક નથી ઊગતાં તે શું હું તારે માટે વાવવા બેસું ? અને આઠ આઠ બાર બાર આને હું શું તારે માટે કોબીજ મંગાવું ?'

'અરે ભાઈ, ફળ, બિસ્કીટ અને મુરબ્બાના પૈસા તો હું મારા પદરથી આપું છું અને આહાર પણ ઓછો લઉં છું, તો પછી મારી ખેારાકીના વ્યાજબી પૈસામાંથી જ મને ફરતાં શાક કાં ન મળે ? આંહીં શાક નથી મળતાં એમ કોણે કહ્યું ? આ તમારો સાર્જન્ટ જ કહે છે કે મળે છે.'

ગોરો દરોગો સાર્જન્ટ તરફ ફર્યો, ભ્રકૂટી ચડાવી કહ્યું, 'મારા બંદોબસ્તમાં દખલ કરવાની તારે જરૂર નથી.' એટલું કહીને એણે કેદીને કહ્યું: 'ઠીક ઠીક, તારે નોકરો પાસે ફરિયાદ ન કરવી. મારી પાસે જ કરવી.હું તારી માગણીઓ વિચારી જોઈશ.'

'ના જી, મારે તો ફરિયાદ કરવી જ નથી. હું તો એટલું જ માગું છું કે મારે પૈસે મને જોઈતી વસ્તુ નોકરો આણી આપે અને એક પંજાબી રસોયો આપો તો પાડ તમારો !'