પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯

દીક્ષા


જીવાત્માની ઉત્પત્તિને માને છે, પણ પુનર્જન્મને નથી માનતો. અનંત પ્રગતિ-Eternal Progress-ને જ નિરૂપે છે. મને એ ન સમજાયું મુંઝાઈને હું દોડ્યો એક વિદ્વાન બ્રાહ્મસમાજી પાસે. એણે મને પોતાનું પુસ્તક આપ્યું. રસ્તે ચાલતાં ચાલતાં જ એ પુસ્તક મેં પૂરૂં કર્યું, પણ મારી સમસ્યા શમી નહિ. બીજે દિવસ ફરીવાર પહોંચ્યો. મારી શંકાઓ ધરી. મને કેશવચંદ્રનાં ને પ્રતાપચંદ્રનાં પુસ્તકો વાંચવાની સલાહ મળી. એ તો હું વાંચી ચુક્યો હતો. એટલે મારા પ્રશ્નો એને સાંભળવા જ પડ્યા. મને મળેલા ઉત્તરોથી હું ન સંતોષાયો. તુરત અંતરમાં કોઈ અજવાળું થયું હોય તેમ સ્વામી દયાનંદનો 'સત્યાર્થપ્રકાશ' યાદ આવ્યો, દોડ્યો એ ગ્રંથ ખરીદવા સમાજ-મંદિરમાં એ મળતો હતો. પણ પુસ્તકાધ્યક્ષ લાલા કેશવરામ હાજર ન મળે. એના ઘરનું સરનામું લઈ ઘર શોધી કાઢ્યું. પણ એ તારએાફિસે નોકરી પર ગયેલ. પહોંચ્યો તારઓફિસે. ત્યાં તો એ નીકળીને બપોરની રજા ગાળવા ઘેર ગયેલ. પાછો એને ઘેર આવ્યો. ત્યાં એ રવાના થઈ એાફિસે ગયેલા ! પૂછયું 'કયારે આવશે ?' જવાબ મળ્યો કે 'દોઢ કલાક પછી !' બાજુની ગલીમાં મેં દોઢ કલાક અાંટા દીધા. સાંજે ભાઈ આવ્યા. મને કહે 'હું જમી કરીને પછી જ આવી શકીશ.' મેં એને મારી કથની સંભળાવી. એટલે બિચારા તુરત સાથે ચાલ્યા. પુસ્તક ખરીદતાં જ જાણે કોઈ ખજાનો હાથ આવ્યો હોય તેવી ઊર્મિ આવી. સવારનો ભૂખ્યો રાત જઈ જમ્યો. જમીને પુસ્તક વાંચવા બેઠો.