પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧

દીક્ષા


છે. એક દિવસ પ્રાતઃકાળે હું મારી રોજીંદી આદત અનુસાર શહેર બહારથી ભમતો ભમતો ચાલ્યો આવું છું. બાગ બગીચાનાં રમણીય દૃશ્યો મારી દૃષ્ટિમાં તાજેતર રમતાં થયાં છે. સૂર્યોદયના પુનિત સાથિયા પૂરીને પ્રભાતે સ્વાગત આપતી પૂર્વ દિશા મારી કલ્પનાને કૈંક કંકુવરણા શણગારોથી પંપાળી રહી છે. અને ફૂલવાડીઓનો સુગંધીમય વાયુ હજુ મારા કાનમાં મહેકતો અટક્યો નથી. તેવી સુખભરી મનોદશામાં મેં મારી સન્મુખ શું દીઠું ? માથા પર માંસનો ટોપલો મૂકીને એક માણસ ચાલ્યો આવે છે. અને એના ટોપલામાંથી, ચામડી ઉતરડેલ બકરાંના લાલચોળ ટાંટીઅા લટકતા જાય છે. જાણે એ લટકતા ટાંટીઆ મારા પ્રાણમાં સૂતેલી કરૂણાને જાગૃત કરવા કરગરી રહ્યા છે. બાલ્યવસ્થાથી જ માંસાહારી હતો. ક્ષત્રિયને માટે માંસ-ભક્ષણ તે સ્વાભાવિક હોય તેમ જ મારૂં કુટુંબ માનતું હતું. છતાં આ કતલ થયેલાં બકરાંના ટીંગાતા પગે મારૂં અંતર શી રીતે ઓગાળી નાખ્યું ! કોણ જાણે ! એ પગ નજરથી અદૃશ્ય ન થયા ત્યાં સુધી હું એની સામે એકી ટશે તાકી જ રહ્યો. પછી તો એ વાત વિસારે પડી. પરંતુ ઘેર જઈ એક ભાષણની તૈયારી માટે સત્યાર્થપ્રકાશનો દસમો સમુલ્લાસ વાંચવા બેઠો અને અણધાર્યો ભક્ષ્યાભક્ષ્યનો જ પ્રસંગ એમાં આવી પડ્યો. વાંચતો ગયો તેમ તેમ પ્રભાતનો દેખાવ નજર સામે તરવરવા લાગ્યો. ભોજનનો સમય થયો. હાથપગ ધોઈને થાળી પર બેઠો. બીજી વાનીઓની સાથે એક કટોરામાં માંસ પણ દીઠું. દેખતાંની વાર જ એવો