તે એવું રૂપ આપી દેતો કે કાગળ ઉપર તો માત્ર તેની હકાકતો જ આવે; ને એ બાબત વિષે પોતાનો જે અભિપ્રાય હોય તેનો લેશ પણ ખ્યાલ એ લખાણ પરથી આવવા દેતો નહીં. વળી મુકદ્દમો ચલાવવાને જે વિધિ ને નિયમો ઠરાવેલા હોય તે બધાનું તે ચીવટથી પાલન કરતો. કામ નવું હતું, તે ૧૮૬૪ ના નવા કાયદાનો પહેલવહેલો અમલ જે માણસોને હાથે થયો તેમાંનો ઇવાન એક હતો.*[૧]
નવા ગામમાં મૅજિસ્ટ્રેટની જગા લીધા પછી ઇવાને નવી ઓળખાણો કરીને નવા સંબંધો બાંધ્યા. પહેલાંના કરતાં કંઇક જુદી મનોવૃત્તિ ધારણ કરી, ને બોલવા ચાલવાની ઢબ બદલી નાખી. પોતાની પ્રતિષ્ઠાનો તેને પૂરો ખ્યાલ હોય એમ તેણે પ્રાન્તના અમલદારો તરફ કંઇક અતડાપણું કેળવ્યું. પણ ગામમાં જે વકીલો ને ધનિક ગૃહસ્થો રહેતા હતા તેમાંથી સારામાં સારું મંડળ શોધી કાઢી તેની સાથે બેસવા ઊઠવાનો સંબન્ધ વધાર્યો. વાતચીતમાં સરકાર પ્રત્યે સહેજસાજ અસન્તોષ દાખવવો, અને જરાતરા ઉદારમતવાદ ને સુશિક્ષિત નાગરિકતા પ્રત્યે પક્ષપાતનું વલણ બતાવવું, એવો પણ રિવાજ પાડ્યો. સાથેસાથે દાઢી વધારવા માંડી; તેનાં કપડાં પહેરવાની ને પટિયાં પાડવાની ટાપટીપમાં જરાયે ઊણપ આવવા દીધી નહીં.
આ નવા ગામમાં ઇવાન ઠરીઠામ થઇ મોજ કરવા લાગ્યો. ત્યાંના ભદ્ર સમાજને પ્રાન્તના સૂબા સાથે સહેજ અંટસ હતો, પણ ઇવાન સાથે તો સહુ સારાસારી રાખતું. તેનો પગાર પણ પહેલાં કરતાં વધારે હતો. અહીં તેણે ‘બ્રીજ’ રમવા માંડી. તેણે જોયું કે આ રમતથી જિંંદગીની લહેજત વધે છે. તેનામાં પાનાં રમવાની આવડત હતી. રમતાં તે હંમેશાં મિજાજ ઠેકાણે રાખતો, ને ઝપાટાબંધ અને કુનેહથી ગણતરી કરતો. એટલે ઘણે ભાગે તેની જીત જ થતી.
- ↑ ૧૮૬૧ માં ગુલામોને મુક્તિ અપાયા પછી, અદાલતમાં મુકદ્દમા ચલાવવાની રીતમાં પૂરેપૂરો ને વીગતવાર સુધારો કરવામાં આવેલો.