લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
 


મળવા ભયભીત થઈને રાહ જોઇ રહેલા ટોળા વચ્ચે થઈને પસાર થવું, એમાં એને મોજ પડતી. તે લટકાં કરતો, મલપતી ચાલે, સીધો સૂબાના ખાનગી ઓરડામાં ચા પીવા કે ‘સાહેબ’ની સાથે બેસી સિગરેટ ફૂંકવા જતો, ત્યારે એ લોકો અદેખી નજરે એને જોઈ રહેતા. પણ તે વેળા ઘણા લોકો પર એની સત્તા સીધી રીતે ચાલતી નહીં. તે ખાસ કામે ગયો હોય ત્યારે પોલીસ અમલદારો ને ધાર્મિક સંપ્રદાયવાળાઓને જ તેની મહેરબાનીની જરૂર પડતી. એ લોકોની સાથે તે વિવેકપૂર્વક-લગભગ બરોબરિયા સાથી હોય એવી રીતે—વર્તતો; ને તેમને જાણે બતાવી આપતો કે ‘તમને કચડી નાખવાની સત્તા તો મારી પાસે છે, છતાં હું તમારી સાથે આટલી સરળતા ને મિત્રાચારીથી વર્તું છું, છતાં આ પ્રકારના માણસો બહુ જ થોડા હતા. પણ હવે મૅજિસ્ટ્રેટ બન્યા પછી ઇવાનને લાગ્યું કે ‘એકએક જણ પર—સૌથી મોટા મોભાદાર ને મિજાજી માણસો પર સુદ્ધાં—મારી સત્તા ચાલે છે. અમુક મથાળાવાળા એક કાગળ પર હું થોડાક શબ્દો લખું એટલે બસ, ગમે તે મોભાદાર ને મિજાજી માણસને આરોપી કે સાક્ષી તરીકે મારી પાસે લાવવામાં આવે. હું અને બેસવા દેવા ન માગું તો એને મારી સામે ઊભો રહી મારા સવાલના જવાબ દેવા પડે,’ ઇવાન સત્તાનો દુરુપયોગ કદી કરતો નહીં. ઊલટું સત્તાનો અમલ જેટલો હળવો કરી શકાય તેટલો કરવાનો પ્રયત્ન કરતો. પણ પોતાના હાથમાં સત્તા છે, ને પોતે ધારે ત્યારે એનો અમલ હળવો કરી શકે છે, એ ભાન તેને હતું એને લીધે જ તેને આ હોદ્દો ભોગવવામાં ખાસ રસ પડતો, ને એને લીધે જ એ હોદ્દો વિશેષ આકર્ષક લાગતો. તેના કામમાં, ખાસ કરીને ઝુબાની લેવામાં, તેને એવી હથોટી આવી ગઇ હતી કે એને લીધે તે મુકદ્દમાનો વિચાર માત્ર કાયદાની જ દૃષ્ટિએ કરતો, ને જે જે વસ્તુઓને કાયદાની સાથે સંબન્ધ ન હોય તે બધીને લક્ષમાં જ ન લેતો; એટલું જ નહીં પણ ગમે તેવો અટપટો મુકદ્દમો હોય તો પણ તેને