લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
 


માંડે કે ‘पेलुं એકલું જ સાચું છે કે શું?’ આવા સમર્થ ને સૂક્ષ્મ બુદ્ધિવાળા ન્યાયાધીશ લોચા વાળે છે ને ભૂલો કરે છે, એ જોઇ તેના સાથીઓ ને હાથ નીચેનાઓને આશ્ચર્ય ને દુઃખ થાય. ઇવાન સજગ થાય, સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે, જેમતેમ કરીને તે દિવસનું કામ પૂરું કરે, ને એવું દુઃખદ ભાન લઇને ઘેર જાય કે ‘મારું અદાલતનું કામકાજ જે વસ્તુને ઢાંકી દઇ મારી નજરે ન પડવા દે એમ હું ઇચ્છું છું, તે વસ્તુને તે હવે પહેલાંની પેઠે ઢાંકી શકતું નથી. ને એ મને पेलाના પંજામાંથી ઉગારી શકવાનું નથી’. સૌથી બૂરી વાત તો એ હતી કે पेलुं ઇવાનનું ધ્યાન પોતા તરફ ખેંચતું હતું. તેનો ઉદ્દેશ એ ન હતો કે તેની પાસે કંઈ કામ કરાવવું. તેની ધારણા તો એટલી જ હતી કે ઇવાન પેલાની સામે જુએ, તાકીને જુએ; તેને જોયાં કરે, ને કશું કર્યા વિના અકથ્ય દુઃખ ભોગવે.

આ સ્થિતિમાંથી છૂટવા ઇવાને આશ્વાસનો—નવા પડદા—ખોળવા માંડ્યા. નવા પડદા જડ્યા; ને થોડોક વખત તો એ ઇવાનને ઉગારશે એવો ભાસ થયો. પણ પછી તરત તે ફાટી ગયા, અથવા કહો કે પારદર્શક થઈ ગયા; જાણે पेलुं એ પડદાને ભેદીને પણ અંદર પહોંચ્યું હોય, તે पेलाને રોકવાનુ કે ઢાંકવાનું કોઇ પણ વસ્તુનું ગજું ન હોય.

આ પાછલા દિવસોમાં, તેણે જે દીવાનખાનું ગોઠવેલું તેમાં તે જતો. એ દીવાનખાનામાં જ તે પડેલો, ને એને માટે જ તેણે જિંદગીનો ભોગ આપ્યો હતો (એ વાત કેવી કડવી ને કેવી હાંસીપાત્ર લાગતી હતી!) — કેમકે એને ખબર હતી કે એ પડ્યો ને વાગ્યું ત્યારથી જ એની માંદગી શરૂ થઇ હતી. તે અંદર પેસે ને જુએ કે પાલીસ કરેલા ટેબલ પર કશાકનો ઉઝરડો થયો છે. એનું કારણ શોધતાં તેને જણાય કે એકાદ આલબમ (ચિત્રસંગ્રહ)નું કાંસાનું સુશોભિત પૂઠું વળી ગયું છે. એ આલબમ તેણે કેટલા પ્રેમથી ને કેવી હોંશથી ગોઠવેલું, ને તેની પાછળ કેટલું ખર્ચ કરેલું! આલબમ હાથમાં લે, એટલે તેને