પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રીતે પ્રમુખપદ ધારણ કરી શકશો અને ’નાત’ ને સંબંધે ’નાતબહાર’ શું તે પર ઊતરી પડતાં આપ જોડેલી લીટીઓનું વિદ્વત્તા ભરેલું વિવેચન કરવાનો પ્રસંગ આવશે.’

’મારાથી આપ વધારે યોગ્ય છો.’ એ પ્રશંસાવાક્યે તંદ્રાચંદ્રને અંતરમાંથી ખુશ કર્યા. પોતાની યોગ્યતા ના પાડવામાં તેમનાં વચનો પોલાં છે એ તેમની ફુલાયેલી મુખમુદ્રા પરથી ઢાંક્યું રહ્યું નહિ. પોતાની પ્રિય કહેવત સભામાં કહી બતાવવાની ઉત્સુકતા થતાં મન્દતા જતી રહી અને તે પ્રમુખપદ લેવાને કબૂલ થયા. ખરેખરી ધારણા શી છે તે ખબર પડી જાય નહિ તે માટે અનેક અનેક પ્રકારની સભ્યતાના આગ્રહને વિષે અને આપ જેવા પ્રસિદ્ધ પુરુષોને આર્યપક્ષના પ્રયાસમાં અગ્રણી થતાં અટકાવવાને સુધારાવાળાઓ ઘણા પ્રયત્ન કરશે અને આપને ફેરવી નાખશે, એવી ભીતિને બહાને સંયોગીરાજે તેમને પોતાના ઘરમાં પૂરી રાખ્યા અને ખાનપાન તથા હાસ્ય સિવાય બીજા કશામાં તેમનું ચિત્ત જવા દીધું નહિ. આટલી બધી ચાટુ ઉક્તિ અને આટલાં બધાં મિષ્ટ ભોજનનો પરિચય નહિ હોવાથી તંદ્રાચંદ્ર સંતોષાતિશયમાં સ્તબ્ધ થઈ ગયા અને આ સર્વ સત્કારને હું પાત્ર નથી એવી લાગણીને ખસેડી નાખવા વિવિધ અર્થશૂન્ય સંભાષણથી કાલ વ્યતીત કરવા લાગ્યા. દેશસ્થિતિ સુધરે કે બગડે એ તેમના ચિંતનનો વિષય કદી હતો જ નહિ અને ’સુધારો’ તે શું છે અને ’સુધારાવાળા’ તે કોણ છે એ વિશે તેમને ઘણી જ અસ્ફુટ કલ્પના હતી, તોપણ ’સુધારો ન જોઈએ’, ’આપણે સુધારાવાળા નથી’, ’આજકાલના સુધારાવાળાઓ’ (’પહેલાના સુધારાવાળાઓ’ કોણ કહેવાય છે તે આર્યપક્ષમાં આટલાં વર્ષ રહ્યા છતાં હું જાણતો નથી તો તંદ્રાચંદ્ર તો ક્યાંથી જ જાણે !) ’એ તો વિલાયતી સુધારો’ એવાં વચનો હરકોઈ વિષયની વાતમાં સ્થળે સ્થળે ઉચ્ચારી તે સંયોગીરાજના મંડળના અંગભૂત થવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

સંયોગીરાજનો મોહમંત્ર કોઈને નિદ્રા પમાડતો નહોતો, પણ સર્વ કોઈને ઉન્મત કરતો હતો, તેથી તંદ્રાચંદ્ર પણ પાર્શ્વચરોની મંડળી જોડે ગુલાંટ ખાતાં અને ઊંધે માથે ઊભા રહેતાં શીખ્યા. સંયોગીરાજનું વશીકરણ એટલું પ્રબળ થયું કે પાર્શ્વમંડલ બહારના કોઈ સખ્સથી તંદ્રાચંદ્ર સાથે સંભાષણ કે પત્રનો વ્યવહાર પણ થવો અશક્ય થઈ પડ્યો. મુશ્કેલી માત્ર વલ્લભરામની હતી. તંદ્રાચંદ્રની પ્રસિદ્ધ પરિહાસની વચનો તેમનાથી છાની રખાય તેમ નહોતું તેમ એ ગમ્મતમાં દાખલ થવાને તેમને પોતાને હરકત પણ નહોતી. પરંતુ તંદ્રાચંદ્રને અજાણ્યા રાખી તેમને હાસ્યપાત્ર બનાવવામાં શામિલ થવામાં વલ્લભરામને કુટુંબક્લેશનો ભય હતો. આ બધી હરકત દૂર કરવા સંયોગીરાજે યુક્તિ દર્શાવી કે છેક છેલ્લી ઘડી સુધી વલ્લભરામે માંદા થઈ ઘેર સૂઈ રહેવું એટલે આખરે અજાણ્યા થઈ ગમ્મત જોવા નિઃશંક આવી શકાય. ગોઠવણ પ્રમાણે વલ્લભરામ સંયોગીરાજને ત્યાં આવતા બંધ થયા અને તંદ્રાચંદ્રને તેના કારણની પણ ખબર પડી નહીં.

બાહ્ય જગતની તંદ્રાચંદ્રને આ પ્રમાણે વિસ્મૃતિ થઈ ગઈ તેનું મુખ્ય કારણ એ કહેવામાં આવતું કે સંયોગીરાજ તેમને માફક આવે એટલી મદિરાનું સેવન કરાવતા