પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મંદબુદ્ધિઓ વિચાર કર્યા પછી કૃતિ કરે છે તેમ ન કરતાં ભદ્રંભદ્રે વિચાર કર્યા પહેલાં કૃતિ કરી, અને અપવિત્રતાની રેલ આવતી જોઈ તેના અવગાહનમાંથી બચવાને સર્વ પવિત્રતાની મૂર્તિઓ નાઠી; તેમની સાથે ભદ્રંભદ્રે પણ તે જ ક્રિયા કરી. ઢેડનો શ્વાસ મલિન તેથી તે લોકની પાસે જઈ પ્રશ્ન પૂછવાની કોઈની હિમ્મત ચાલે નહિ; ઢેડની છાયા મલિન તેથી તે લોક સાંભળે એટલે અંતરેથી ધમકાવવાની કોઈની હિમ્મત ચાલે નહિ; અને ઢેડનો સ્પર્શ મલિન એટલે તે લોકને બળ કરી પાછા કાઢવાની કોઈની હિમ્મત ચાલે નહિ. વરઘોડામાં અગાડી પાર્શ્વચરો હતા તેમણે પ્રયત્ન કર્યો હોત તો આ વિકટ આપત્તિ અટકત, પણ ભંગાણ પાડવાને તેઓ તો તત્પર જ હતા, અને વખતે આ કાર્યમાં તેમની જ ઉશ્કેરણી હશે તેથી થાય તે કરતાં વધારે ત્રાસ પ્રદર્શિત કરી તેમણે જ ઉદ્વેગનો આરંભ કર્યો.

ઢેડ લોકો વિનાકારણે સ્પર્શ કરશે એમ માનવાની કેટલાકની ઇચ્છા પ્રથમ ન જણાઈ તેથી સંયોગીરાજે અને પાર્શ્વચરોએ તત્કાળ વાત ચલાવી કે હવે માલૂમ પડ્યું છે કે તંદ્રાચંદ્ર પોતે જ ઢેડ છે, તે ઢેડવાડામાં પરણવા જાય છે, અને તેના ઢેડ વહેવાઈઓ રીત મુજબ સાજનને ભેટીને આવકાર દેવા આવે છે. આ ખબરની અસર જાદુઈ થઈ; સાજનમાંથી કોઈ ઊભું રહ્યું જ નહિ. આ નવા ખુલાસાની હકીકત જેમના સુધી જઈ પહોંચી નહોતી તેઓ પણ દેખાદેખી નાઠા. ઢોલી નાઠા, હજામ નાઠા, છત્ર ધરનારા નાઠા, ચમ્મર ફેરવનારા નાઠા, શુ કોઈ નાઠા, ફક્ત મુસલમાન વાજાંવાળાનું એક મંડળ ઊભું રહ્યું અને તેનાથી થોડે આઘે ઘોડા પર બેઠેલા તંદ્રાચંદ્ર ઊભા રહ્યા. તેમનો ઘોડો ઝાલનાર પણ ઊભો રહ્યો નહોતો. હું પાસેના એક ઝાડ પર ચઢી ગયો અને સાજન વર્ગની તથા પાછળ પડેલા ઢેડ વર્ગની સૂરત જોવા લાગ્યો. પાઘડી પર હાથ મૂકી દોડતા, અને ઠોકર ખાધાથી પાઘડી પડી ગયા પછી તે પડતી મૂકતા, છતાં ભૂલમાં માથે હાથ મૂકી દોડ્યા જતા ગૃહસ્થો કોઈ અમુક જાતના સપલાયન નૃત્યનો અભ્યાસ કરતા હોય એમ લાગતું હતું. અને દેખાવ રમણીય નહોતો એમ તો ન કહેવાય. ભદ્રંભદ્ર માટે મને ચિંતા હતી, પણ શરીરે ભારે છતાં તેઓ સપાટામાં નીકળી ગયા એટલે મેં તંદ્રાચંદ્ર ભણી દૃષ્ટિ કરી. એક વિદ્વાને અંધારી રાતમાં રસ્તા વચ્ચે એકલા ઊભેલા કૂતરા વિષે કવિતા લખી છે તેવા જ ઉચ્ચ કાવ્યના વિષયને યોગ્ય તંદ્રાચંદ્ર મને જણાયા. પણ કવિત્વવૃત્તિ દબાવી રાખી તેમની મુખમુદ્રા તથા ચેષ્ટાની નિરીક્ષામાં મેં લક્ષ રાખ્યું, શું બન્યું છે તેની સહુથી મોડી ખબર તેમને પડી હતી; શાથી બન્યું એ તેમને હજી પણ સમજાયું નહોતું. 'લુચ્ચો છે,' 'કારભારી નથી,' 'ઢેડ છે,' 'ઢેડવાડામાં પરણે છે,' 'એના ઢેડ વહેવાઈ આવ્યા,' 'કંઈકને અભડાવી માર્યા,' ઇત્યાદિ છૂટાંછવાયાં વાક્યો નાસતા મનુષ્યોના મુખમાંથી નીકળતાં સાંભળી આશ્ચર્ય પામતા પામતા, અને અનેકને બોલાવ્યા છતાં કોઈને પોતાની પાસે ન આવતા જોઈ ખિન્ન થતા આખરે દિડ્મૂઢ બની ગયા હતા.

નાસનારા સર્વ દૂર નીકળી ગયા પણ તંદ્રાચંદ્રની સ્તબ્ધતાનો અંત આવે તેમ જણાતું નહોતું. આખરે કાર્યશૂન્યતાથી કંટાળી વાજાંવાળા નાયકે પાછા ફરી પૂછ્યું,

'ક્યોં શેઠ, બજાવે ?'