પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજું નામ ધારણ કરવું; એમ ન કરું તો મને બાળહત્યા ! ગૌહત્યા ! બ્રહ્મહત્યા ! ઓ શંકર ! ઓ શંકર ! શિવ ! શિવ ! શિવ !

આ ધાર્મિકતા જોઈને હું સાનન્દાશ્ચર્યથી ચકિત થઈ ગયો. મેં પણ એ નામ દઈ હજારો વાર શંકરનો અપરાધ કર્યો છે, એ વિચારથી હું ખિન્ન થઈ ગયો. મારા મિત્ર તો કહે કે, 'આપણે કાલે સવારે કાશી જઈ ત્યાં પ્રાયશ્ચિત કરીએ' પણ મેં સંભાર્યું કે 'કાલે તો મુંબાઇ જવું છે. ત્યાં પણ આપણા વેદધર્મના લાભનું પ્રયોજન છે. તમે તો ત્યાં ફત્તેહના ડંકા વગાડવાને તલપી રહ્યા છો અને ગમે તેવાં વિઘ્ન જીતીને જઈશ એમ સંકલ્પ કર્યો છે.'

આ ગૂંચવાડામાં અંતે ગોરને બોલાવ્યા. ગોર કહે કે 'પ્રાયશ્ચિત અહીં કરો તો ચાલે, પણ એક માસ સુધી નદીતીર્થે ક્રિયા કરવી પડશે અને હજાર ગોદાન આપવાં પડશે. આ પાપ ઘોરતર છે !' મેં ગોરના હાથમાં પાંચ રૂપિયા મૂક્યા અને કહ્યું, 'અમારે કાલે બપોરે ગયા વિના ચાલે તેમ નથી અને લાંબો વિધિ કરવા રહીએ તો ગાડી ચૂકીએ.' ગોર પાંના ઊથલાવી બોલ્યા કે, 'પોતાના કુટુંબના ગુરુને શંકરની પ્રતિમા સારુ સુવર્ણ આપો અને એક ગોદાન આપો તો હજાર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય. સવારે આઠ વાગે પ્રાયશ્ચિતવિધિ પૂરો થશે.' ગોરને દક્ષિણા આપી વિદાય કીધા અને શંકરનું સ્મરણ કરતો હું ઊંઘી ગયો. મારા મિત્ર તો મોડા ઊંઘ્યા હશે, કેમ કે શંકરની જોડે તાંડવ નૃત્ય કરતાં મેં તેમને જોયા એવું અર્ધસ્વપ્ન અને અર્ધજાગ્રત અવસ્થાનું મને ભાન છે.

સવારે આઠને બદલે સાડા સાતે વિધિ પૂરો થયો. ઉપવીત બદલી મારા મિત્રે પોતાનું નામ ભદ્રંભદ્ર પાડ્યું. લોકો અજાણપણે આગલે નામે બોલાવી દોષમાં ન પડે માટે કપાળ પર મોટા અક્ષરે ‘ભદ્રંભદ્ર’ નામ લોઢું તપાવી પાડવું એવો ભદ્રંભદ્રનો વિચાર થયો. પણ મેં શંકા કરી કે, 'આ નામ શિવને પસંદ પડે પણ વખતે બીજા કોઈ દેવને નાપસંદ પડે તો પછી ઊલટી પીડા થાય. છાપેલું નામ નીકળે નહીં અને તેત્રીસ કરોડ દેવમાંથી કોઇના મિજાજ કેવા હોય અને કોઇના કેવા નહિ, માટે સર્વ દેવોની મરજી જણાઇ જાય ત્યાં સુધી કાંઇ કાયમનું પગલું ભરવું નહિ. દરેક દેવ ખાતર એક એક દિવસ વાટ જોવી એટલે આખર બધાની પસંદગી જણાય જાય.' ભદ્રંભદ્રને આ વિચાર ગમ્યો. માત્ર એટલું કહ્યું કે, 'એ 'પસંદ' શબ્દ યવનોની ભાષાનો છે માટે દેવોના સંબંધમાં તેને સ્થાને 'પ્રસન્ન' શબ્દ વાપરજો.' ગોરે કહ્યું કે, 'દેવોને કોઇ ગરજ નથી પડી કે એક એક દહાડો એક જણ વહેંચી લે. માટે બ્રહ્મભોજન કરાવો તો ભૂદેવો પ્રસન્ન થતાં સ્વર્ગના દેવોને આજ્ઞા કરે.' આ માટે મુંબાઇથી પાછા આવી ગોઠવણ કરવાનું ભદ્રંભદ્રે વચન આપ્યું અને સંકલ્પ કર્યો કે 'આ ગોર સમક્ષ, ગંગાજી સમક્ષ, સૂર્યદેવ સમક્ષ, વાયુદેવ સમક્ષ, અગ્નિદેવ સમક્ષ, વરુણદેવ સમક્ષ પ્રતિજ્ઞા લઉં છું કે હવેથી યાવની ભાષાનો એકે શબ્દ નહિ વાપરું.' ગોરને રૂપિયો આપ્યો એટલે 'शुभं भवतु' કહીને ઘેર જવાની રજા આપી.