પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પિછાનથી નહિ. એમની ધમધોકાર ધર્મનિષ્ઠા માટે મને માન્યવૃત્તિ છે, તદસ્તુ. પરંતુ આપે એમને 'પંડિતશિરોમણિ' કહ્યા તે અથાક અજૂગતું છે. એ પદ માટે હું અને પ્રસન્નમનશંકર એ બે અધિક પંડિતોનો જ અધિકાર છે. ધિક્કરપાત્ર છે બીજા પૂજાતા પંડિતો. આપ અહીં વખાના માર્યા વખાણની વખાર ઉઘાડો અને ઘાડો સંબંધ દેખાડો તો તો એ ખાડો છે પડવાનો.'

વિવિધ વૃત્તિઓથી ચકિત થઈ ભદ્રંભદ્રે પૂછ્યું, 'આપને કોઈ સભાએ, કોઈ પ્રસિદ્ધ વિદ્વાને, કોઈ અધિકારીએ 'પંડિતશિરોમણિ'ની પદવી આપી છે ?'

'સભા મળેલી હતી સારી, મારી અમે પ્રસન્નમનશંકરની. બીજાને બોલાવ્યા નહોતા અને આવ્યા નહોતા. અમે બંને પ્રસિદ્ધ વિદ્વાન. મેં એમને 'પંડિતશિરોમણિ'ની પદવી આપી, એમણે મને 'પંડિતશિરોમણિ'ની પદવી આપી, તથા તેથી અમે અધિકારી ધરાયા અને ઠએલે ચિત્ત ઠરાવ કર્યો કે એ પદવી પ્રતિ બીજા કોઈનો હક નથી. ઇતર જનો ભલે "મિસ્ટર" કહેવાય.'

'વલ્લભરામે "પ્રસિદ્ધસાક્ષરજીવનમાલા" થોડા સમય પર, બહાર પાડી હતી તેમાં આપનું એકેનું નામ નહોતું'

'તેથી જ આમ કરવાની આવશ્યકતા આવી, વલ્લભરામ આર્યપક્ષના છતાં વિદ્વત્તાના ગુમાનમાં ગૂંથાયા રહે છે. પ્રસન્નમનશંકરને આશ્રિતપણે શ્રીવાળા છતાં તેમેને સાક્ષર ન કહ્યા તો મને તો શાના જ કહે ? મેં અને પ્રસન્નમનશંકરે અજય્ય નિશ્ચિય કર્યો છે કે જે જે ગ્રંથ પ્રસિદ્ધ કરવા તેમાં કર્તાના નામમાં પોતાની મેળે "પંડિતશિરોમણિ" લખવું. વર્તમાનપત્રોમાં લેખ લખીએ છીએ તે પણ અધિપતિ સાથે શરત કરીને કે "લેખક પંડિતશિરોમણિ" એનું મથાળું કરીને અમારું નામ લખવું. પુસ્તકોનાં હેન્ડબિલોમાં, જાહેર ખબરોમાં, જાહેરસભાના હેવાલમાં, કાગળો પરનાં સરનામામાં, મિલકતના દસ્તાવેજોમાં બધે બંદોબસ્ત બાંધી અમારું આ ઉપપદ વિના ખલેલ કરાવીએ છીએ. વસ્તીપત્રકને વિચિત્ર સમયે પણ નામ લખનારને દામ આપી પત્રકમાં આ પદ લખાવ્યું છે. "પંડિતશિરોમણિ ચંપકલાલ" એમ બોલવાનો લોકોનો અભ્યાસ પડી જશે એટલે પછી એ પદ અમારા નામનો એક ભાગ થઈ જશે. હું ખરેખરો પંડિત છું એ તો આપે વિના તાપે મારી સંસ્કૃત અલંકૃત વાણી પરથી જાણી લીધું હશે.'

'આપની વાણી ઝડઝમકના અલંકારથી પૂર્ણ તો છે જ, પરંતુ, આપ પંડિતોની પંક્તિમાં હોવાનો દાવો કરો છો તે એવી વાણી માટે કે શાસ્ત્રજ્ઞાન માટે ?'

'શાસ્ત્રજ્ઞાનમાં તથા તેના ભાનમાં તો હું સંપૂર્ણ છું. એ વિશે કોઈ દિવસે મને પોતાને લેશ્ માત્ર સંશય નથી. પરંતુ સારા લેખ લખનાર હાલના સમયમાં સાક્ષર કહેવાય છે. શાસ્ત્ર જાણનાર માત્ર શાસ્ત્રી કહેવાય છે. એ કારણથી વલ્લભરામે સાક્ષરોની ગણનામાં અમારાં નામ મૂકી દીધાં. અને કેટલાક સુધારકોનાં નામ ગણાવ્યાં તેથી મને અને પ્રસન્નમનશંકરને મહામાનભંગનો સંગ થયો છે. આ માટે અમારે અલંકૃત વાણી તાણીને વાપરવાની પરવા રાખવી પડે છે. સાક્ષરતાના ખરતા તારા જેવા માનમાં ભાન ભૂલેલાઓ ભલે અમારો દોષ કાઢે કે વિચારની શિષ્ટતા વિનાની કૃત્રિમ