પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરથી વર્તન પ્રશંસનીય થાય છે. તેં મલેચ્છ ભાષાના શબ્દો વાપર્યા છે માટે ઘેર જઈ તારી જીભ અને મારા કાન છાનમાટીથી ધોઈ નાખજે.’

માટી ખોટી નથી લાગતી, પણ છાણ કંઈક બેસ્વાદ છે એ વાત ચિત્ત આગળ આવ્યાથી મેં કહ્યું,

’સાબુથી વધારે સુદ્ધિ થાય છે અને વધારે સુખ થાય છે એમ સુધારાવાળા કહે છે.’

’રે મૂર્ખ ! સુધારાવાળા કહે છે પણ હું કહું છું ? સુધારાવાળા કહે તે કંઈ પ્રમાણ ગણાય ? સુખનો પ્રશ્ન તો છોડવો નહિ, કેમ કે સુખ એ આર્ય પ્રજાને ગણનામાં લેવા યોગ્ય નહિ. આર્ય પ્રજાનું જીવન સુખ માટે ચાલતું નથી. પણ શાસ્ત્ર તથા રૂઢિ માટે ચાલે છે અને સાબુ જે જાતે અશુદ્ધ છે તે વડે શુદ્ધિ થઈ જ કેમ શકે ? સાબુ વાપરનાર રૌરવ નરકમાં જાય છે અને છાણમાટીથી સ્નાન કરનાર સારુ મરણકાળે વિમાન આવે છે એ તે મારાં ભાષણોમાં ઘણી વાર સાંભળ્યું નથી ?’

’મહારાજ ! હું શંકાનું માત્ર નિવારણ કરું છું કે વિવાદ કરવાનું બળ પ્રાપ્ત કરી શકું, સુધારાવાળા તો કહે છે કે "શરીરની શુદ્ધિ જડ પદાર્થના નિયમોને આધીન છે તેથી સાબુની ભાવનાકલ્પિત અશુદ્ધિથી શરીરની શુદ્ધિ થવાને પ્રતિબંધ થતો નથી."

’નિર્બુદ્ધે !એ મલિન તર્કની વાત વધારે લંબાવ નહિ. શરીરને સાબુનો સ્પર્શ થવાની કલ્પના નયન સમક્ષ આવતાં મને કંપારો છૂટે છે તથા મારી વૃદ્ધિ ક્રુધ થાય છે. સાબુની સુગંધ તથા કોમલતાથી જેઓ લોભાય છે તેમને જ્ઞાન નથી કે છાણમાટીની શાસ્ત્રોક્ત ઉત્તમત્તાના આગળ એ સર્વ વ્યર્થ છે. સાબુમાં સ્વચ્છતા કરવાનો ગુણ છે એમ સુધારાવાળા કહેતા હોય તો તેઓ જાણતા નથી કે આર્યના શરીર તો જાતે જ એવાં શુદ્ધ છે કે તેમને સાબુ સરખા પદાર્થની અગત્ય પડતી નથી. તેમનાં શરીર સ્વચ્છ કરવાને પ્રકૃત્તિએ છાણમાટી જ નિર્મિત કરેલાં છે. જેવી વસ્તુ તેવું શુદ્ધિસાધન. વળી આર્યભૂમિમાં કરેલી શુદ્ધિ ગમે તેટલી જૂજ હોય તોપણ અમૂલ્ય છે. તે જ માટે, મરણ પાસે આવે છે ત્યારે આર્ય મનુષ્યોને ત્વરાથી નવડાવી લેવામાં આવે છે કે આર્યભૂમિ છોડ્યા પહેલાં સ્નાન થઈ જાય અને આર્યભૂમિમાં કરેલા એક આધિક સ્નાનનો તેમને લાભ મળી જાય. આવાં સ્નાન કરાવ્યાથી કદી મરણ જલદી થાય છે અને મરનારના શરીરને તથા મનને દુઃખ થાય છે એમ કહેનાર સુધારાવાળા આ અનુપમ લાભની સિદ્ધિનું ગૂઢ લક્ષ્ય ક્યાંથી સમજે ! એ લાભ છટકી ન જાય માટે મડદાને તત્કાળ કસી કસીને બાંધી લેવામાં આવે છે તે તેઓ ક્યાંથી જાણે ! સર્વથા સાબુનો ઉપયોગ કેવળ ભ્રાન્તિમય છે તથા એ પણ સિદ્ધ થાય છે કે જેઓ આ દેશમાં સાબુનાં કારખાનાં કહાડે છે અને સાબુ બનાવે છે તેઓ વિદેશીય અનુકરણના અપરાધી થાય છે. આર્યધર્મને અમાન્ય વસ્તુઓ સાબુમાં ન મૂકવાનો તેમનો બચાવ અપ્રસ્તુત છે કારણ કે સાબુ વાપરવાનું શાસ્ત્રોમાં વિધાન જ નથી. તે છતાં પ્રાચીન શાસ્ત્રોની અવગણના કરી પ્રાશ્ચાત્યોના અનુસરણમાં પડી સાબુનો ઉપયોગ પ્રચલિત કરવાથી પુરાતન પૂર્વજોના ડહાપણમાં ખામી કહાડવાનો તથા તેમનાં ત્રિકાલજ્ઞાનિત્વને ધોકો પહોંચાડવાનો મહાઘોરતર અપરાધ થાય છે. સાબુની આવશ્યકતા હોય તો