પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્રિકાળજ્ઞાનીઓથી તે અજાણી રહેત નહિ અને તેઓ લખી જાત કે કલિયુગમાં સાબુ નામે વસ્તુ થશે તે વાપરવી.’

’આપણા જૂના પૂર્વજો સાબુ બનાવતા હતા, એવી એમેરિકાના થિઓસોફિસ્ટોને તિબેટના મહાત્માઓ તરફથી ખબર મળે તે પછી આવી તકરાર કરવી કે નહિ ?’

’ત્યારે તો એમ કહેવું કે "સાબુ બનાવવા જેવી ક્રિયા આપણા સર્વજ્ઞ પૂર્વજોને આવડતી નહોતી તે સંભવિત જ નહોતું અને આ નવી શોધથી આપણા પૂર્વજોની કિર્તિ વધે છે." પણ અત્યારે એ પ્રશ્ન પ્રસ્તુત નથી. સાબુ વાપરવામાં અને બનાવવામાં અનાર્યતા છે. એ આર્યપક્ષનો વર્તમાન સિદ્ધાંત છે.’

’આ દેશમાં સાબુ બનાવવાથી વેપાર વધે છે અને લાભ થાય છે એવા અનેક ખોટા બચાવ સુધારાવાળા કરે છે.’

’શાસ્ત્રમાં જે સ્પષ્ટ વિહિત ન હોય તેથી વેપારનો કોઈ પણ લાભ આર્યોને થઈ શકે જ નહિ, અને થઈ શકે છે એવો આભાસ કલિયુગને લીધે થતો હોય તોપણ સનાતન આર્યધર્મતા સચવાય અને માન પામે તે માટે એ લાભ મૂકી દેવો જોઈએ. એ કષ્ટકર કથા જ તું બંધ કર.’

ઘેર જઈ ભ્રષ્ટ થયેલા અંગની શાસ્ત્રોક્ત રીતિએ અમે શુદ્ધિ સંપાદન કરી. એ રીતે આર્યતા ઘસાઈને ઉજ્જવલ થયાથી જેલમાંથી મુક્ત થવાનો વિજય પ્રકટિત કરી સન્માન મેળવવાની યુક્તિઓ ભદ્રંભદ્રને સૂઝી આવી. તે સર્વના ગુણદોષનું વિવેચન ચાલતું હતું તેવામાં રસ્તામાં ઘોંઘાટ સંભળાયો, બારીએ જઈ જોતાં એક ગાડી આવતી જણાઈ. ગાડીમાં એક કાનફોડિયું વાજું વાગતું હતું અને ગાડી પાછળ ઘણાં માણસો લાંબા હાથ કરી ’માસ્તર આપજો’ની બૂમો પાડતાં દોડતાં હતાં. ગાડીમાં બેઠેલો ’માસ્તર’ દોડતા ટોળાની ઉત્સુકતા વિશે તદ્દન બેદરકાર રહી રંગબેરંગી કાગળો થોડે થોડે અંતરે બહાર ફેંકતો હતો અને સોનારૂપાનાં ફૂલ લૂંટતાં હોય એવી આતુરતાથી લોકો તે કાગળ ઝીલી લેતાં હતાં અને એકબીજાના હાથમાંથી ખેંચતાં હતાં. દેખાવ જોઈ ભદ્રંભદ્ર સાનંદ આશ્ચર્ય પામી બોલ્યા,

’ધન્ય ભાગ્ય છે વાહનમાં બેઠેલા એ પુરુષનું. એના યશની વાર્તા આ પ્રતાપી વાદ્યથી દશ દિશામાં પ્રસરી રહી છે. આ કીર્તિલેખ તે વહેંચે છે તે દ્વારા ઘેરઘેર આબાલવૃદ્ધ સકલ જનો તેના ગુણનો પાઠ કરશે. સન્માનપ્રાપ્તિનો આથી વધારે વિજયવંત બીજો કયો માર્ગ હોઈ શકે ! કેવી એની મુખમુદ્રા ભણી સકલની દૃષ્ટિ દોરાઈ રહી છે ? કેવા એણે આપએલા પત્ર લઈ મનુષ્યો હરખાતા જણાય છે ! કેવું એની કૃપા માટે જગત અભિલાષી છે !’

ચાકર રસ્તામાં જઈ આમાંનો એક કાગળ લઈ આવ્યો તે વાંચીને મેં કહ્યું.

’મહારાજ, આ કીર્તિલેખ નથી, એ માત્ર જાહેર ખબર છે !’

વિસ્મય અને આનંદના સ્વપ્નમાંથી ચમકી ભદ્રંભદ્રે કહ્યું, ’સુધારાવાળાનું કંઈ છલ હોવું જોઈએ. આ બધી સામગ્રી શાની છે !’

’ચકડોળ, વાજિંત્ર, સોરટી, જાદુ વગેરે જાતજાતના તમાશા કરનાર મંડળી શહેરમાં આવેલી છે, તેના ખેલ આજે રાત્રે થનાર છે, તેની આ જાહેર ખબર છે.’